પ્રથમ તબક્કામાં હાજર નહી રહેતા તંત્રએ નોટીસ ફટકારી હતી : પશ્ચિમ મામલતદાર કચેરીમાં આધાર-પૂરાવા સાથે અરજદારોની લાઇન લાગી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા વર્ષો જૂના દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ મામલતદાર કચેરી ખાતે આજથી વિધિવત રીતે 1350 જેટલા દબાણકર્તાઓનું સુનાવણી શરૂૂ કરવામાં આવી હતી. જોકે, પ્રથમ તબક્કાની પ્રક્રિયામાં 400 જેટલા આસામીઓ ગેરહાજર રહેતા તેમને નોટીસ ફટકારવામાં આવી હતી. જેનું આજે હિયરીંગ કરવામાં આવ્યું હતું.
નોટીસ આપ્યા બાદ તંત્ર દ્વારા હિયરીંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે ૫૯૦, બીજા દિવસે ૫૪૦ અને ત્રીજા દિવસે ૨૬૦ લોકોને સાંભળવામાં આવ્યા હતાં. તેમજ ૪૦૦ લોકો ગેરહાજર રહેતા પુન: નોટીસો ફટકારાઇ હતી અને જાન્યુઆરીએ હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી.
તંત્રના જણાવ્યા અનુસાર ૮ જાન્યુઆરીએ પૂરાવા સાથે હાજર નહી રહેનારાનું વાઇબ્રન્ટ બાદ ગમે ત્યારે ડિમોલેશન કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડતા આજે જંગલેશ્વરના બાકી રહેતા લોકો આધાર-પૂરાવા સાથે મામલતદાર કચેરી ખાતે દોડી ગયા હતાં. આજે સવારથી જ કચેરી બહાર નોટીસ ફટકારેલ અરજદારો હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિકો દ્વારા પણ માંગણી કરવામાં આવી હતી કે જંત્રી પ્રમાણે મકાન અને દુકાન કાયદેસર કરી આપવામાં આવે અને ઘરની છત છીનવવામાં ન આવે ઉપરાંત પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો રાજકોટમાં આવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજુઆત કરવામાં આવશે.
જંગલેશ્વર મેગા ડિમોલિશનમાં કુલ 1.80 લાખ ચોરસમીટર સરકારી જમીન ખાલી કરાવવા માટે એક સાથે 1357 દબાણકારને નોટિસ આપવામાં પૂર્વ મામલતદાર કચેરીએ ટીપી શાખા ઉપરાંત અન્ય કચેરીના નાયબ મામલતદાર અને રેવન્યુ તલાટીની મદદ લીધા બાદ હવે સુનાવણી માટે પણ 3 નાયબ મામલતદાર, 10 રેવન્યુ તલાટીને અન્ય કચેરીમાંથી વિશેષ ફરજ પર લેવાયા છે.


