બાળકોનું વજન-ઉંચાઈ અને આરોગ્ય તપાસણી કરવામાં આવી
અગ્ર ગુજરાત, રાજકોટ
ઈસ્ટ ઝોનના ભગવતીપરા સેજાના વોર્ડ નંબર.૪ ના જ્યોતિબા ફુલે પ્રાથમિક શાળામાં SAM, MAM, SUW, MUW બાળકોનો આરોગ્ય તપાસણી કેમ્પ તા.૦૯-૦૧-૨૦૨૬ના રોજ યોજવામાં આવેલ. જેમાં બાળકોનું વજન-ઉંચાઈ અને આરોગ્ય તપાસણી કરવામાં આવી, જરૂરી દવા આપવામાં આવી. આ ઉપરાંત શેર વિથ સ્માઈલના સહયોગથી પ્રોટીન પાવડર આપવામાં આવ્યો.
આંગણવાડી કેન્દ્રમાંથી મળતા બાલશક્તિના પેકેટમાંથી વિવિધ સભર વાનગી કઈ રીતે બાળકોને જમાડવી અને કેટલી જમાડવી અને એના શું શું ફાયદા છે? એ માટે દરેક વાલીને સમજાવવામાં આવ્યું તેમજ દરેક વાલીને બાળકનું વજન રોજનું 10 થી 15 ગ્રામ વધે તે માટે શું કરવું જોઈએ અને મહિનાના અંતે 500 ગ્રામ વજન વધવું જોઈએ, એના માટે દરેક વાલીને બાળકની જમવાની સારી ટેવ, સ્વચ્છતાની તેમજ બહારનો ખોરાક બિલકુલ નહીં ખવડાવવો અને બાળક માંદુ ના પડે તે માટે વિશેષ કાળજી રાખવા માટે વાલીને આહવાન કરવામાં આવ્યું. વાલીઓને ખાસ સુચના આપી હતી કે બાળકનું વજન વધવું જોઈએ, વજન ન વધે તો બાળક મોટો થઈને પણ કુપોષણમાં રહેશે અને આગળ અભ્યાસ કરી શકશે નહીં અને સમાજને બોજારૂપ બનશે એ માટે દરેક વાલીને ખાસ કાઉન્સલિંગ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, શેર વીથ સ્માઈલ NGO ની ટીમ તેમજ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ કર્મચારીઓ, ICDS ના પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ, CDPO જયશ્રીબેન સાકરીયા, મુખ્યસેવિકા જાડેજા મહેશબા હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


