કચ્છમાં ખનિજ ચોરીને અટકાવવા માટે કલેક્ટર દ્વારા જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા કલેક્ટર આનંદ પટેલનાં માર્ગદર્શનમાં ખાણ-ખનિજ ચોરી અટકાવવા માટે ઓચિંતુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટીમ દ્વારા રાત્રે માંડવી શહેરમાં જી.ટી.ગ્રાઉન્ડ પાસેથી પસાર થતી ટ્રકનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન સાદી રેતીનું ગેરકાયદે વહન ઝડપી લેવામાં આવ્યું હતું. અંદાજિત ૪૦થી ૪૫ ટન સાદી રેતી ભરેલી ઝડપાયેલી ટ્રક અને રેતીની અંદાજિત કિંમત રૂા.૧૫ લાખ થાય છે.
૩ ટન રેતી ભરેલો જથ્થો કબજે કરવામાં આવ્યો
આ જ રીતે મોટી રાયણ ગામ પાસેથી પણ પસાર થતાં અને નદીમાંથી કોઈપણ જાતની પરવાનગી વગર સાદી રેતી ભરતાં બે ટ્રેક્ટર ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં અંદાજે ૨થી ૩ ટન રેતી ભરેલો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ કબજે કરવામાં આવેલી રેતી તથા ટ્રેક્ટરની અંદાજિત કિંમત રૂ. ૬ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ખનિજમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ
બંને મળી જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા એક જ રાતમાં માંડવી તાલુકામાં અંદાજિત રૂ.૨૧ લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો અને આ વાહનોને હાલે સ્થાનિકે સિટી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે.જેની આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, આ ટાસ્ક ફેર્સની રચના કલેક્ટર દ્વારા ખાણ-ખનિજમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે કરવામાં આવી છે, ત્યારે જો કોઈ આમ જનતાને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની જાણ થાય તો તેઓ આ બાબતની જાણ મો.નં.૮૭૫૮૯ ૭૯૯૬૬ તથા મો.નં.૭૦૧૬૩ ૧૫૪૫૫ ઉપર કરી શકશે.


