કડી તાલુકાના ઘુમાસણ ખાતે શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી જીવણસિંહજી જુવાનસિંહજી સોલંકી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે અને વિદેશી રોકાણ સાથે રોજગારી વધી રહી છે, પરંતુ જો શિક્ષણ નહીં હોય તો આ બધું જ નિરર્થક સાબિત થશે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે શિક્ષણ એ પ્રગતિનો મુખ્ય પાયો છે અને વડાપ્રધાના વિઝન મુજબ વિકસિત ભારતનો સાચો આધારસ્તંભ પણ શિક્ષણ જ છે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓની સફ્ળતા અંગે વિગતો આપતા કહ્યું હતું કે, દીકરીઓને શિક્ષણના પૂરતા અવસર મળે તે માટે સરકાર મક્કમ છે. ‘નમો લક્ષ્મી યોજના’ અંતર્ગત ધોરણ 9 થી 12માં ભણતી દીકરીઓને 50,000 રૂપિયાની અને ‘નમો સરસ્વતી યોજના’ હેઠળ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજનાઓના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે, જેના કારણે શાળાની હાજરીમાં 73% જેટલો મોટો વધારો થયો છે જ્યારે 12માં ધોરણમાં દીકરીઓના પ્રવેશમાં 14%નો વધારો જોવા મળ્યો છે. ઘુમાસણમાં દાતાઓનાં સહયોગથી બનેલી આ શાળાને તેમણે સમરસતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું અને વડાપ્રધાનના’સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને દોહરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી દ્વારા અપાયેલા નવ સંકલ્પોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. તેમણે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવા તેમજ વરસાદી પાણીના સંગ્રહ અને સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે જોડાવા ગ્રામજનોને આહવાન કર્યું હતું. આ અવસરે શાળા નિર્માણમાં ઉદાર હાથે દાન આપનાર મુખ્ય દાતા જીવણસિંહ સોલંકી સહિતના તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.


