અનિષ્ટનો નાશ કરીને ઈષ્ટ તરફ ગતિ કરવાની પ્રેરણા આપતું પર્વ કાળીચૌદશ છે. કહેવાય છે કે આજના દિવસે મહાકાળી તેના ભક્તોના દુર્ગુણો હરીને તેને સદ્ગુણી સદાચારી બનાવે છે. મહાકાળીનું સ્વરૂપ રૌદ્ર છે. તે અનિષ્ટોનો નાશ કરીને ઈષ્ટની પ્રાપ્તિ કરાવે છે. મનુષ્યમાં રહેલા કુવિચારો, દુર્ગુણો તેને જીવનમાં અને મૃત્યુ બાદ પણ નર્કની સ્થિતિ અપાવે છે ત્યારે કાળીચૌદશ એવો મંગળ સુયોગ છે કે આ દિવસે મા કાળી તેના ભક્તોના દુર્ભાવોનો નાશ કરીને તેને સ્વર્ગસમા સુખની અનુભૂતિ કરાવે છે.
કાળીચૌદશનો દિવસ તાંત્રિક સાધના માટે પણ વિશેષ મહત્ત્વપૂર્ણ ગણાય છે. આજના દિવસે તાંત્રિક સાધકો તાંત્રિક વિદ્યાના ગૂઢ રહસ્ય જાણવા માટે તાંત્રિક વિધિથી મહાકાળીની પૂજા કરે છે અને તાંત્રિક સિદ્ધિઓ મેળવે છે. કાળીચૌદશને નરકચતુર્દશી, રૂપચૌદશ તરીકે પણ મનાવવામાં આવે છે.
કાળીચૌદશ આસુરી શક્તિ પર દૈવીય શક્તિના વિજયનું પર્વ છે. આજના દિવસે જ શ્રીકૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કરીને ઋષિ, સંતોને તેના ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી. નરકાસુરનો અત્યાચાર એટલો ફેલાયેલો હતો કે તે કન્યાઓનાં અપહરણ કરીને તેને બંદી બનાવી રાખતો. શ્રીકૃષ્ણ ભગવાને નરકાસુરનો વધ કરીને બંદી બનેલી સોળ હજાર અને સો કન્યાઓને મુક્ત કરી હતી. તે ઉપલક્ષમાં નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો. ત્યારથી આજ સુધી નરકચતુર્દશીનો તહેવાર મનાવવામાં આવે છે.
નરકચતુર્દશીને રૂપચતુર્દર્શી પણ કહે છે. રૂપચતુર્દર્શી કહેવા પાછળ એક પ્રાચીન કથા જોડાયેલી છે. હિરણ્યગર્ભ નામના પ્રદેશમાં એક યોગીએ ભગવાનને પામવા માટે સમાધિ ધારણ કરવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન તેના શરીરમાં કીડા પડી ગયા અને તે કદરૂપો વિકરાળ બની ગયો. નારદજીએ યોગીની આ હાલત જોઈને તેને આ સ્વરૂપમાંથી મુક્તિ અપાવવા માટે કારતક વદ ચૌદશનું વ્રત કરવાનું કહ્યું. તેનાથી તેમનું ગયેલું રૂપ પાછું આવી ગયું. આ રીતે કાળીચૌદશનો દિવસ સૌંદર્યવર્ધક પણ હોવાથી રૂપચતુર્દર્શીના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાનું પણ વિધાન છે.
અન્ય એક કથા પ્રમાણે રંતીદેવ નામનો પુણ્યાત્મા અને ધર્માત્મા રાજા હતો. તેને અજાણતાં પણ કોઈ પાપ કર્યું ન હતું. તેમ છતાં મૃત્યુ સમયે તેની સામે યમદૂત આવ્યા. યમદૂતને જોઈ રાજા અચંબિત થયો. તેણે યમદૂતોને પૂછ્યું કે, મારા કયા અપરાધને કારણે મને યમલોકમાં લઈ જાઓ છો?
યમદૂતે જણાવ્યું કે, `એક વાર આપના બારણેથી એક બ્રાહ્મણ ભૂખ્યો પાછો ગયો હતો. આ પાપને કારણે તમને યમલોકમાં લઈ જઈએ છીએ.’ રાજાએ યમદૂત પાસે એક વર્ષનો સમય માંગ્યો. યમદૂતોએ એક વર્ષનો સમય આપ્યો. રાજા પરેશાની લઈને ઋષિ-મુનિ પાસે ગયો અને પાપમુક્ત થવાનો ઉપાય પૂછ્યો ત્યારે ઋષિએ કહ્યું કે, `આસો સુદ ચૌદશના દિવસે બ્રહ્મણોને ભોજન કરાવી તેઓની સામે અપરાધની ક્ષમા માંગો.’ રાજાએ તો ઋષિ-મુનિના કહેવા પ્રમાણે વિધિવિધાનપૂર્વક વ્રત કર્યું. આ પુણ્યફળ સ્વરૂપ રાજા નરક ગતિમાંથી મુક્ત થઈ વિષ્ણુલોકમાં સ્થાન પામ્યો. આ મહત્ત્વના આધારે નરક ચતુર્દશીનું વ્રત ભૂલોકમાં પ્રચલિત છે.
કાળીચૌદશ સાથે અનેક સાચી-ખોટી માન્યતાઓ જોડાયેલી છે ત્યારે લોકો ઘણીવાર અનિષ્ટ તત્ત્વોથી ભય અનુભવે છે ત્યારે મંગલમૂર્તિ હનુમાન અમંગળને દૂર કરીને મંગળના દાતા છે, તેથી આજના દિવસે અનિષ્ટથી બચવા માટે હનુમાનજીને તેલ ચડાવી વડાં ધરાવી તેમને રીઝવવામાં આવે છે અને હનુમાનજી ભૂતપ્રેત અને અનિષ્ટથી રક્ષાકવચ બનીને ભક્તોનું રક્ષણ કરે છે. આ રીતે મા કાળી, શ્રીકૃષ્ણ ભગવાન અને હનુમાનજીની વિધિસર પૂજા અર્ચના કરી તેમની કૃપાથી જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે અને અનિષ્ટ રક્ષણ મેળવીને ઈષ્ટની પ્રાપ્તિ કરાવે છે.


