કામદા એકાદશી મનુષ્યની સર્વ કામનાઓ પરિપૂર્ણ કરે છે. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કામદા એકાદશીનું માહાત્મ્ય કહી સંભળાવે છે. વશિષ્ઠ મુનિએ પણ દિલીપ રાજાને કામદા એકાદશીનો મહિમા કહી સંભળાવ્યો હતો. અગ્નિ જે રીતે કાષ્ઠને બાળી નાખે છે, તેમ આ એકાદશી સર્વ પાપનો નાશ કરે છે, એવી આ પુણ્યદાયક એકાદશી છે. કામદા એકાદશીની કથા આ પ્રમાણે છે.
`વૈભવશાળી ભોગવતી નગરીમાં અતિ અભિમાની નાગલોકો વસતા હતા. તેમના રાજાનું નામ પુંડરીક હતું. કિન્નરો, ગાંધર્વો અને દેવાંગનાઓ આ રાજાની સેવામાં તત્પર રહેતાં હતા. આ દેવાંગનાઓમાં `લલિતા’ નામે એક અતિ લાવણ્યયુક્ત અપ્સરા હતી. અહીં `લલિત’ નામનો એક ગંધર્વ પણ હતો. બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો. લલિતનું જીવન પણ લલિતાના પ્રેમરંગે રંગાઈ ગયું હતું. કામ એટલે સુખ, ભોગ સુખ અને મોક્ષ.
એક વખત પુંડરીક રાજા સભા ભરીને બેઠા હતા. નાગલોકો ક્રીડા કરી રહ્યા હતા. લલિત પણ તેમની સાથે નાચગાનમાં જોડાયો હતો. આ લલિતધન્વા ગંધર્વગાન વિદ્યામાં પ્રવીણ હતો, પરંતુ લલિતાનાં જ સ્વપ્નો સેવતો હતો. સ્વપ્નો સેવો ભલે, પણ સ્વપ્નોમાં જ ન રાચવું જોઈએ. હા, સ્વપ્નોની સિદ્ધિમાં જરૂર રાચો. પારકાંને પોતાના કરવાની કલા સ્ત્રીમાત્રને સ્વભાવસિદ્ધ હોય છે. લલિતાએ પોતાના દેહલાલિત્યથી લલિતને વશ કરી લીધો હતો, પોતાનો કરી લીધો હતો. લલિતને અહોનિશ લલિતાના જ વિચાર આવ્યા કરે. ગાન કરતી વખતે લલિતને લલિતાનું સ્મરણ થઈ આવ્યું. તેની જીભ થોથરાવા લાગી. તે લય-તાન, આરોહ-અવરોહ વિસરી ગયો. `કર્કટ’ નામના મશહૂર ગવૈયાએ લલિતની ભૂલ પકડી પાડી. કર્કટે ભૂલ અંગે પુંડરીક રાજાનું ધ્યાન દોર્યું, તેથી પુંડરીકે ક્રોધાવેશમાં કામવશ લલિતને શાપ આપ્યોઃ `હે દુર્બદ્ધે! મારી સભામાં ગાનતાન ચાલી રહ્યું છે ત્યારે તું તારી સ્ત્રી લલિતાના સ્મરણમાં રમમાણ છે, માટે તું રાક્ષસ યોનિમાં જન્મ લઈશ.’
પોતાના પતિનું ભયંકર અને વિકરાળ સ્વરૂપ જોઈ લલિતાનું હૃદય દ્રવી ઊઠ્યું. ફરતાં ફરતાં બંને વિંધ્યાચળ પર્વત ઉપર આવી પહોંચ્યાં. અહીં તેમણે એક સુંદર આશ્રમ જોયો. આ આશ્રમમાં ઋષ્યશૃંગ મુનિનાં દર્શન થયાં.
વશિષ્ઠ મુનિએ દશરથ રાજાને પુત્રપ્રાપ્તિ માટે પુત્રકામેષ્ટિ યજ્ઞ કરવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે, `અંગદેશના રાજા રોમપાદના જમાઈ ઋષ્યશૃંગ ઋષિ પધારે તો જ યજ્ઞ સફળ થાય.’ આ ઋષ્યશૃંગ ઋષિ મહાન તપસ્વી હતા. એમના મસ્તક પર હરણનાં જેવાં બે શિગડાં હતાં. રોમપાદ રાજાએ પોતાની સુંદર કન્યા `શાંતા’ને ઋષ્યશૃંગ સાથે પરણાવી હતી, તેથી તેઓ નગરમાં જ રહેતાં હતા, પરંતુ સંજોગવશાત્ આશ્રમમાં જ મુલાકાત થઈ ગઈ.
લલિતા હર્ષવિભોર બની આશ્રમમાં ગઈ અને ગદ્ગદ્ કંઠે પ્રાર્થના કરી કે, `હે મુનિવર્ય! મારા ઉપર કૃપા કરો.’
મુનિએ પૂછ્યું, `પુત્રી, તું કોણ છે? તું અહીં શા માટે આવી છે?’
લલિતાએ સઘળી હકીકત કહી સંભળાવી. `મારા પતિ લલિતધન્વાને રાજા પુંડરીકે શાપ આપ્યો છે તેથી તેમને રાક્ષસ યોનિમાં જન્મ લેવો પડ્યો છે. આપ મારા પર કૃપા કરી શાપનું નિવારણ થાય તેવો ઉપાય બતાવો.’
મુનિએ નિવારણ આપતાં જણાવ્યું કે, `ચૈત્ર સુદ અગિયારસ કામદા એકાદશી કહેવાય છે. આ કામદા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય તું તારા પતિને અર્પણ કર. આમ કરવાથી શાપદોષ બળી જશે.’ ઋષ્યશૃંગ મુનિની સલાહ અને વિધિ અનુસાર કામદા એકાદશીનું વ્રત લલિતાએ કરીને પોતાના પતિને શાપમુક્ત કર્યો અને લલિતધન્વા પુનઃ ગંધર્વ યોનિને પામ્યો. ત્યારબાદ આ દંપતીએ પોતાનું શેષ જીવન પ્રભુભક્તિમાં વ્યતીત કર્યું.