- નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 6A ને પડકારતી અરજીઓ પર સુનાવણી
- કલમ 6Aને લઈને આસામમાં છેલ્લા કેટલાંક દિવસોથી ચાલી રહી છે ચર્ચા
- આસામમાં આવતા જતાં લોકો અંગે જાણકારી મેળવવી મુશ્કેલ: કપિલ સિબ્બલ
રાજ્યસભા સાંસદ અને સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે આસામને લઈને કરેલ ટિપ્પણીને લઈને નવો વિવાદ ઊભો કરી દીધો છે. સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે શુક્રવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આસામ મૂળ રૂપે મ્યાનમારનો હિસ્સો હતું. સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 6A ને પડકારતી અરજીઓની સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે આ નિવેદન આપ્યું હતું.
વાસ્તવમાં, આસામમાં છેલ્લા કેટલાંક દિવસોથી કલમ 6Aને લઈને ચર્ચા ચાલી રહી છે. એવામાં, ઘણા અરજદારોએ નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 6Aને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. જેના પર CJI DY ચંદ્રચુડ અને અન્ય ચાર ન્યાયાધીશોની બેન્ચ સુનાવણી કરી રહી હતી. ત્યારે, હવે સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે આસામને લઈને મોટો દાવો કરતાં કહ્યું છે કે આસામ મૂળ રીતે મ્યાનમારનો ભાગ હતું.
કોર્ટમાં શું બોલ્યા કપિલ સિબ્બલ?
કપિલ સિબ્બલે ઈતિહાસમાં જનસંખ્યાની જાણકારી મેળવવાની જટિલતા પર સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, “ઈતિહાસમાં પણ લોકો આસામમાં આવતા જતાં રહેતા રહે છે અને તેને અલગથી મેપ કરી શકાતું નથી. જો, તમે આસામનો ઇતિહાસ જુઓ તો લાગશે કે આસામમાં આવતા જતાં લોકો અંગે જાણકારી મેળવવી મુશ્કેલ છે.”
આસામ હતો મ્યાનમારનો ભાગ
તેમણે કોર્ટમાં કહ્યું કે “જો 1824 પહેલાની વાત કરવામાં આવે તો આસામ મ્યાનમારનો હિસ્સો હતું. ત્યારબાદ અંગ્રેજોએ આ વિસ્તારના કેટલાંક ભાગ પર કબજો જમાવી લીધો, ત્યારે એક સંધિ કરવામાં આવી હતી જે હેઠળ આસામને અંગ્રેજોને સોંપી દેવામાં આવ્યું હતું. તમે અંદાજો લગાવી શકો છો કે તે સમયે ત્યાંનાં લોકો બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ કેવી રીતે પ્રદર્શન કરી શકતા હતા.”
સિબ્બલના આ દાવા બાદ નવો વિવાદ ઊભો થઈ ગયો છે. જેના પર આસામ સરકારની પણ પ્રતિક્રિયા સામે આવી છે. આસામ સરકારના પ્રવક્તા પિયુષ હજારિકાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મહાભારત કાળથી જ આસામ ભારતવર્ષનો ભાગ રહ્યું છે.


