- આશીર્વાદ આપ્યા બાદ ભગવાન શિવે જણાવ્યું કે, તમને હવેથી આ નગરના કોતવાલ તરીકે ઓળખવામાં આવશે
ગંગાકિનારે વસેલા ઉત્તર પ્રદેશનું શહેર કાશી (વારાણસી) સૌથી જૂનાં શહેરોમાંનું એક શહેર ગણાય છે. મુખ્ય બાર જ્યોતિર્લિંગોમાં મુખ્ય કાશી વિશ્વનાથ મંદિર અનાદિકાળથી બનારસમાં છે. કાશીમાં વસેલા ભગવાન શિવ અને માતા પાર્વતીનું આધ્યાત્મિક મહત્ત્વ તો સૌ કોઈ જાણે જ છે, પરંતુ કાશીના કોતવાલ બાબા કાલભૈરવનું પણ શિવ-પાર્વતી જેટલું જ આધ્યાત્મિક મહત્ત્વ રહેલું છે. તેથી જ તો કાશીમાં એક કહેવત સેંકડો વર્ષોથી બોલાતી આવે છે કે, `પહેલે કાશી કોતવાલ કી પૂજા, ફિર કામ દૂજા…’ (કોતવાલઃ પોલીસ કે સુરક્ષા અધિકારી). આ શહેરની એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે, કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં કાશી કોતવાલ એટલે કે બાબા કાલભૈરવની પૂજા અચૂક કરવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે, કાશી નગરીમાં કાલભૈરવની મરજી ચાલે છે. ભગવાન શિવની પૂજા કર્યા પહેલાં પણ કાલભૈરવને પૂજવામાં આવે છે.
બાબા વિશ્વનાથ છે કાશીના રાજા અને કોતવાલ છે કાલ ભૈરવ
ભગવાન શંકરની નગરી કહેવાતા કાશીમાં એવી ધાર્મિક માન્યતા છે કે, શહેરના રાજા બાબા વિશ્વનાથ છે. જ્યારે કાશીના કોતવાલ તરીકે ભૈરવનાથ છે! આ શહેરમાં ભૈરવ બાબાની મરજી વગર કોઈ પણ કાર્ય શક્ય નથી અને તમામ શહેર કે નગરી તેમના હાથમાં છે. કાશીમાં રહેતા લોકોનું પણ એવું માનવું છે કે, બાબા વિશ્વનાથના મંદિર પાસે એક કોતવાલી (પોલીસ સ્ટેશન) છે જેની રક્ષા ખુદ કાલભૈરવ કરે છે.
કાશીના કોતવાલ કેવી રીતે બન્યા ભૈરવબાબા?
કાલભૈરવના કાશીના કોતવાલ એટલે કે કાશીમાં તેમને સ્થાપિત થવા માટેની એક પૌરાણિક કથા પ્રચલિત છે. ધાર્મિક માન્યતા અનુસાર કહેવામાં આવે છે કે, એક વાર ભગવાન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ વચ્ચે વાતચીત ચાલતી હતી કે બંનેમાંથી કોણ મોટું અને શક્તિશાળી છે. આ વાતચીતમાં ભગવાન શિવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. વિશેષમાં આ વાતચીત દરમિયાન બ્રહ્માજીના પાંચમા મુખે ભગવાન શિવની ટીકા કરી હતી. જેનાથી ભગવાન શિવ ખૂબ જ ક્રોધે ભરાયા હતા. અને તેમના ક્રોધે કાલભૈરવનો જન્મ થયો હતો. આ કારણસર ભગવાન ભૈરવને શિવનો અંશ પણ માનવામાં આવે છે. આ તરફ કાલભૈરવે શિવની ટીકા કરનાર બ્રહ્માજીના પાંચમા મુખને નખથી કાપી નાખ્યું હતું.
બ્રહ્મહત્યાના દોષને કારણે ભૈરવબાબા કાશી પહોંચ્યા
કાલભૈરવના ગુસ્સામાં આવીને બ્રહ્માજીના પાંચમા મુખને કાપી તો નાખ્યું, પરંતુ તેમનું મુખ કાલભૈરવના હાથથી અલગ નહોતું થઈ રહ્યું. આ સમયે શિવજી ત્યાં પ્રગટ થયા અને તેમણે કાલભૈરવને કહ્યું કે, તમે આ શું કર્યું? તમને તો બ્રહ્મહત્યાનો દોષ લાગ્યો છે. જેથી તેને દૂર કરવા માટે તમારે સામાન્ય માણસની જેમ ત્રણેય લોકનું ભ્રમણ કરવું પડશે અને આમ કરતાં જે સ્થાન પર બ્રહ્માજીનું આ પાંચમું મુખ તમારા હાથથી છૂટું પડી જશે ત્યાં જ તમને આ પાપથી મુક્તિ મળી જશે.
કાલભૈરવને મુક્તિ મળી ખરી?
ભગવાન શિવનો આદેશ મળ્યા બાદ બાબા ભૈરવ ત્રણેય લોકોનું ભ્રમણ કરવા માટે પગપાળા નીકળી ગયા હતા, પરંતુ જ્યારે તેઓ પગપાળાની યાત્રાનો શુભારંભ કરે છે, ત્યારે ભગવાન શિવજીની પ્રેરણાથી એક કન્યા પ્રગટ થાય છે. આ કન્યા ખૂબ જ તેજસ્વી કન્યા હોય છે, જે પોતાની જીભથી કટોરામાં રાખેલા લોહીને પીતી રહેતી હતી. ભગવાન શિવજી આ કન્યાને ભૈરવની પાછળ છોડી દે છે જેથી ભૈરવ ત્રણેય લોકનું ભ્રમણ કરવાનું ન છોડે.
આખરે ત્રણેય લોકોનું ભ્રમણ કરીને જ્યારે ભૈરવ બાબા કાશી પહોંચે છે ત્યારે તેમનો પીછો કરતી આ કન્યા ત્યા છૂટી જાય છે. ભગવાન શિવની આજ્ઞા પ્રમાણે કાશીમાં આ કન્યાના પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી હતી. કાશીમાં પ્રવેશ્યા બાદ બાબા ભૈરવ ગંગાતટ પર પહોંચ્યા ત્યારે તેમના હાથમાંથી બ્રહ્માજીનું શીશ અલગ થાય છે. આ સાથે જ બાબા ભૈરવને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મળી જાય છે. ત્યારબાદ ભગવાન શિવ અહીં પ્રગટ થાય છે અને કાલભૈરવને અહીં તપ કરવાનો આદેશ આપે છે. ત્યારથી કાલભૈરવ અહીં જ વસવાટ કરે છે.
બાબા ભૈરવનાથ એટલે કાશીના કોતવાલ
પૌરાણિક કથા પ્રમાણે કાલભૈરવના તપ કરવાના આદેશ બાદ ભગવાન શિવે કાલભૈરવને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપ્યા બાદ ભગવાન શિવે તેમને જણાવ્યું કે, તમને હવેથી આ નગરના કોતવાલ (નગર રક્ષક) તરીકે ઓળખવામાં આવશે. યુગો યુગો સુધી આ જ રૂપમાં તમારી પૂજા કરવામાં આવશે. ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા બાદ કાલભૈરવ કાશીમાં જ વસી ગયા અને તેઓ જે સ્થાન પર રહેતા હતા ત્યાં જ કાલભૈરવનું મંદિર સ્થાપિત છે.
આ મંદિરનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે
બાર જ્યોતિર્લિંગોમાં મુખ્ય કાશી વિશ્વનાથ મંદિર અનાદિકાળથી કાશીમાં છે. આ સ્થાન શિવ અને પાર્વતીનું આદિ સ્થાન છે, એટલા માટે આદિલિંગના સ્વરૂપમાં અવિમુક્તેશ્વરને જ પ્રથમ લિંગ માનવામાં આવે છે. જેનો ઉલ્લેખ મહાભારત અને ઉપનિષદમાં પણ કરવામાં આવ્યો છે. ઈ.સ. પૂર્વે 11મી સદીમાં રાજા હરિશ્ચંદ્રે જે વિશ્વનાથ મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો તે જ મંદિરનો જિર્ણોદ્ધાર સમ્રાટ વિક્રમાદિત્યએ પણ કરાવ્યો હતો. સમયાંતરે ઈ.સ. 1777-80માં ઈન્દૌરનાં મહારાણી અહિલ્યાબાઇએ પણ આ મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો.
કાલભૈરવના આ મંદિરમાં શ્રદ્ધાળુઓ વાર-તહેવાર અને દિવાળી દરમિયાન તેમના દર્શનાર્થે આવતા હોય છે. ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ બાબા ભૈરવની આરાધના કરવા આવે છે. એક ધાર્મિક માન્યતા પ્રમાણે બાબા ભૈરવનાથની પૂજા-અર્ચના કરવાથી શત્રુઓ અને અન્ય વિઘ્નોથી મુક્તિ મળે છે.
કેવી રીતે પહોંચશો?
જો તમે કાલભૈરવના દર્શનાર્થે ટ્રેનમાર્ગે જવાનું ઈચ્છતા હો તો નજીકનું રેલવે સ્ટેશન વારાણસી જંક્શન છે અને જો વિમાનમાર્ગે તમે જવા માંગતા હો તો તે માટે નજીકનું એરપોર્ટ લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ છે, જે કાલભૈરવના મંદિરથી અંદાજિત 23.7 કિમી. દૂર છે. જ્યારે તેમ સડક માર્ગથી જવાનું ઇચ્છતા હો તો નજીકનું બસ સ્ટેન્ડ કાલભૈરવ મંદિરથી માત્ર 3.4 કિમી.ના અંતરે છે. અહીં તમને જેતે સ્ટેશનથી પ્રાઇવેટ ટેક્સી, રિક્ષા કે અન્ય વાહનો પણ સરળતાથી મળી જાય છે.