રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વિમાન દુર્ઘટના બદલ અઝરબૈજાનના રાષ્ટ્રપતિની માફી માગી છે. આ માફી સાથે એ સ્પષ્ટ થઈ ગયું કે વિમાનને કોઈ પક્ષી અથડાયું ન હતું, પરંતુ રશિયા દ્વારા ભૂલથી હુમલો કરવામાં આવ્યો હતો. આ દુર્ઘટના બુધવારે કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની નજીક બની હતી.
ફ્લાઈટ બાકુથી રશિયાના ગ્રોઝની જઈ રહી હતી
જ્યારે વિમાને દક્ષિણ રશિયાથી દિશા બદલી હતી. જ્યાં રશિયાને યુક્રેનિયન ડ્રોન દ્વારા હુમલાની માહિતી મળી હતી અને રશિયન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા વિમાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 38 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ફ્લાઈટ નંબર J2-8243 વિમાન અઝરબૈજાનની રાજધાની બાકુથી રશિયાના ગ્રોઝની જઈ રહ્યું હતું. વિમાને દક્ષિણ રશિયાના ગ્રોઝની શહેરમાં ઉતરાણ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સ્થાનિક વિસ્તારમાં ચાલી રહેલા યુક્રેનિયન ડ્રોન હુમલાઓને કારણે હવાઈ સુરક્ષા ચેતવણી જાહેર કરવામાં આવી હતી. બાદમાં પ્લેન કઝાકિસ્તાનના અક્તાઉ શહેર તરફ વળ્યું અને ત્યાં પ્લેન ક્રેશ થયું હતું.
ડ્રોન હુમલાના કારણે બની ઘટના
રશિયાના ક્રેમલિને એક નિવેદનમાં કહ્યું કે પુતિને આ ઘટના માટે અલીયેવની માફી માગી છે. તેમણે ‘રશિયન એરસ્પેસમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના’ ગણાવી છે. પુતિને પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. ક્રેમલિન અનુસાર, તે સમયે ગ્રોઝનીમાં યુક્રેનિયન ડ્રોન હુમલા થઈ રહ્યા હતા, જેના કારણે રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી.
અમેરિકાએ પણ તપાસ કરી
અમેરિકી અધિકારીઓએ પણ આ ઘટનાની તપાસ કરી હતી અને તેને રશિયન એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ઠાર મારવામાં આવી હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે ‘પ્રારંભિક સંકેતો દર્શાવે છે કે આ વિમાનને રશિયન એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ઠાર કરવામાં આવ્યું હોઈ શકે છે’, જોકે, તેમણે વધુ વિગતો આપવાનો ઈનકાર કર્યો હતો.
રશિયાએ પક્ષીઓની અથડામણની વાત કરી હતી
આ દુર્ઘટના બાદ અઝરબૈજાન એરલાઈન્સે રશિયાના કેટલાક એરપોર્ટ પરથી ફ્લાઈટ સ્થગિત કરી દીધી હતી. રશિયાની સિવિલ એવિએશન ઓથોરિટીએ પ્રારંભિક તપાસ દરમિયાન દાવો કર્યો હતો કે વિમાન દુર્ઘટના પક્ષીઓના કારણે થઈ હતી, પરંતુ નિષ્ણાતોએ આ અંગે સવાલો ઉઠાવ્યા હતા.