ગુજરાતમાં રોજ આશરે ૮૫ લાખ લિટર પેટ્રોલ અને ૧૭૦ લાખ લિટર ડીઝલનો વપરાશ
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પહેલા દર પંદર દિવસે અને તે પહેલા સમયાંતરે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ મૂજબ વધઘટ થતા હતા પરંતુ, મે- ૨૦૨૨ના પેટ્રોલ લિટરે રૂ।.૧૦૫એ પહોંચી ગયું ત્યારે સરકારે તેના પરની ડયુટી ઘટાડા સાથે ભાવ ઘટીને રૂા.૯૬ થયા બાદ ત્યારથી આ ઉંચાઈ ઉપર ભાવ સ્થિર ટકાવાયા છે એ ૨૨ મહિના બાદ ભાવમાં નજીવો ઘટાડો કરાયો છે.
ક્રૂડના ભાવ ગત બે વર્ષમાં ઘણીવાર ઘટયા છે પરંતુ, તે ઘટાડાનો લાભ લોકોને મળ્યો નથી, કારણ કે ક્રૂડના ભાવ ઘટાડા મૂજબ દૈનિક ભાવ નિર્ધારણ ૨૨ મહિનાથી બંધ કરી દેવાયું છે. ક્રૂડના નીચા ભાવને પગલે અને આગામી લોકસભા ચૂંટણી અન્વયે લોકોમાં એવી આશા હતી કે લિટરે રૂ।.૧૦થી ૧૨નો નોંધપાત્ર ઘટાડો થશે પરંતુ, હાલ પ્રતિ લિટર રૂ।.૯૬ના પેટ્રોલ અને પ્રતિ લિટર રૂા.૯૨ના ડીઝલમાં માત્ર રૂા.બેનો નજીવો ઘટાડો થયો છે.
આ ઘટાડો નજીવો હોવાના કારણે ઈધણના ઉંચા ભાવના પગલે ટ્રાન્સપોર્ટ ભાડુ, મુસાફર ભાડુ વધારવામાં આવ્યું છે તેમાં કોઈ ઘટાડો નહીં થાય તેવા નિર્દેશો મળ્યા છે. પાંચ-સાત દિવસે ત્રણ લિટરનું પેટ્રોલ ભરાવતા ટુ વ્હીલર ચાલકોને રૂા.૬નો ફાયદો થશે.
ગુજરાતમાં રોજ અંદાજે ૧૭૦ લાખ લિટર ડીઝલ અને રૂ।.૮૫ લાખ પેટ્રોલનો વપરાશ થાય છે. પેટ્રોલમાં હાલ ૧૦-૧૨ ટકા ઈથાનોલનું બાકાયદા મિશ્રણ પણ કરાય છે.
રાજકોટમાં ૧ લીટર પેટ્રોલનો ભાવ ૯૪.૨૨ થયો
કેન્દ્ર સરકાર દ્વારા ગઈ કાલે પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં રૂપિયા ૨ નો ધટાડો કરવામાં આવ્યો છે જેના કારણે રાજકોટમાં આગાઉ ૧ લીટર પેટ્રોલનો ભાવ રૂપિયા ૯૬.૨૦ હતો તે હવે રૂપિયા ૯૪.૨૨ થયો છે જ્યારે ડીઝલમાં અગાઉ ભાવ રૂપિયા ૯૧.૯૬ હતો જે ઘટીને ૮૯.૮૧ પૈસા થયો છે આમ પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં ધટાડો થતા શહેરની પ્રજાને રાહત મળી છે.આ ઉપરાંત પેટ્રોલ ઉપર ૧૩.૭ ટકા તથા ડીઝલ ઉપર ૧૪.૯૨ ટકા વેટ સરકાર દ્વારા લેવામાં આવે છે.