સંજુ સેમસન તાજેતરમાં કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) સાથેના વિવાદને કારણે ચર્ચામાં છે. હવે આ મામલે ભૂતપૂર્વ ક્રિકેટર એસ શ્રીસંતની એન્ટ્રી થઈ છે. સંજુ સેમસનને વિજય હજારે ટ્રોફીમાં રમવાની તક મળી ન હતી, જેના કારણે તેને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં પણ પોતાનું સ્થાન ગુમાવ્યું હતું.
આ સમગ્ર વિવાદમાં, શ્રીસંતે સેમસનના સમર્થનમાં એક નિવેદન આપ્યું હતું, જે તેના પર વિપરીત અસર કરતું હોય તેવું લાગે છે.
સંજુ સેમસનને લઈને KCA અને શ્રીસંત વચ્ચે થયો ઝઘડો
એક ટીવી શોમાં, એસ શ્રીસંતે સ્થાનિક સિઝનમાં સેમસનને ન રમવાના KCAના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. આના જવાબમાં, KCA એ શ્રીસંતને કારણ બતાવો નોટિસ મોકલી છે. કેરળ ક્રિકેટ એસોસિએશનનું કહેવું છે કે શ્રીસંતને આ નોટિસ સંજુ સેમસનને સપોર્ટ કરવા બદલ નહીં પરંતુ ખોટું નિવેદન આપવા અને એસોસિએશનનું અપમાન કરવા બદલ મોકલવામાં આવી છે. શ્રીસંત કેરળ ક્રિકેટ લીગમાં કોલ્લમ સેલર્સનો સહ-માલિક પણ છે અને આ નિવેદન આપીને તેને કરારની શરતોનું પણ ઉલ્લંઘન કર્યું છે.
કેરળ ક્રિકેટ એસોસિએશને તો એસ શ્રીસંતને સ્પોટ ફિક્સિંગ કૌભાંડની યાદ પણ અપાવી દીધી. KCA એ કહ્યું કે તેને હંમેશા તેના ખેલાડીઓને સપોર્ટ કર્યો છે. તેને પોતાના ખેલાડીઓ જેલમાં હતા ત્યારે પણ તેમને સપોર્ટ કર્યો હતો, જેને શ્રીસંત પર કટાક્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે.
એસ શ્રીસંતે શું કહ્યું?
એસ શ્રીસંતે કહ્યું કે સંજુ સેમસન પછી કેરળ ક્રિકેટ એસોસિએશને કયો મોટો ખેલાડી તૈયાર કર્યો છે. તેમને કહ્યું કે “આપણા ખેલાડીઓમાંથી ફક્ત એક જ આંતરરાષ્ટ્રીય લેવલે રમી રહ્યો છે, ચાલો આપણે બધા તેને સપોર્ટ આપીએ. KCA સંજુ પછી કોઈ આંતરરાષ્ટ્રીય લેવલનો ખેલાડી પેદા કર્યો નથી. આપણી પાસે સચિન, વિષ્ણુ વિનોદ જેવા ઘણા ઉત્તમ ખેલાડીઓ છે, પરંતુ KCA તેમને પ્રોત્સાહન આપવા માટે કોઈ પ્રયાસ કરી રહ્યું નથી.”


