- રાજ્યપાલને વિશ્વવિદ્યાલયના ચાન્સેલર પદેથી દૂર કરવા સંબંધી વિધેયકને પણ મંજૂરી બાકી
- વિધેયકને મંજૂર કરીને લોકશાહી પ્રક્રિયાનું પાલન કરવા રાજ્યપાલ બંધાયેલા
- અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે રાજ્યપાલ પોતાના કર્તવ્યપાલનમાં નિષ્ફળ
રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વિરુદ્ધ કેરળ સરકારે રિટ અરજી દાખલ કરી છે. કેરળ સરકાર આરોપ લગાવી રહી છે કે રાજ્યપાલ અનેક વિધેયકને મંજૂરી નથી આપી રહ્યા. અરજીમાં કહેવામાં આવ્યું છે કે વિધાનસભાએ પસાર કરી દીધા પછી રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન પાસે આઠ વિધેયક મંજૂરી માટે પડતર છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલની મંજૂરી માટે વિધેયક મોકલેલા છે, પરંતુ રાજ્યપાલ મંજૂરી નથી આપી રહ્યા.
અરજીમાં માગણી કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ રાજ્યપાલને સૂચના આપે કે વિધાનસભામાં મંજૂર થયેલા વિધેયકોને તેઓ સમયસર મંજૂરી આપે. તમામ વિધેયકને મંજૂર કરીને લોકશાહી પ્રક્રિયાનું પાલન કરવા રાજ્યપાલ બંધાયેલા છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે રાજ્યપાલ પોતાના કર્તવ્યપાલનમાં નિષ્ફળ રહ્યા છે. રાજ્યપાલ પાસે મંજૂરી માટે જે વિધેયક મંજૂરી માટે પડતર છે તેમાં રાજ્યપાલને સરકારી વિશ્વવિદ્યાલયના ચાન્સેલરપદેથી દૂર કરવાના વિધેયકનો પણ સમાવેશ થાય છે.