PM નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમ કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપ-NDAને મળેલા વિજય બદલ પાર્ટી કાર્યકરો અને કેરળમાં ભાજપનું નેતૃત્વ કરી રહેલા નેતાઓની પ્રશંસા કરી છે. PM મોદીએ X પર લખ્યું, “તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં ભાજપ-NDAને મળેલો જનાદેશ કેરળના રાજકારણમાં એક ઐતિહાસિક ક્ષણ છે. લોકોને વિશ્વાસ છે કે અમારી પાર્ટી જ રાજ્યની વિકાસની આકાંક્ષાઓ પૂર્ણ કરી શકે છે.”
વિકાસ માટે સમર્પિત રીતે કામ કરશે : PM મોદી
PM મોદીએ આગળ ઉમેર્યું કે ભાજપ આ જીવંત શહેરના વિકાસ માટે સમર્પિત રીતે કામ કરશે અને લોકોના જીવનમાં સરળતા લાવવા માટે પ્રયાસ કરશે. તેમની આ પોસ્ટ બાદ તિરુવનંતપુરમ સહિત સમગ્ર કેરળમાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. સ્થાનિક કાર્યકરોનું કહેવું છે કે ચૂંટણીમાં PM મોદીના નેતૃત્વ અને નામે પાર્ટીને મોટો ફાયદો થયો.
‘કાર્યકરો અમારી તાકાત છે’ – PM મોદી
PM મોદીએ બીજી પોસ્ટમાં જણાવ્યું, “હું તમામ મહેનતુ ભાજપ કાર્યકરોનો આભારી છું, જેમણે જનતામાં રહીને કામ કર્યું અને આ ઉત્તમ પરિણામ શક્ય બન્યું. આજે તે કાર્યકરોના દાયકાઓના સંઘર્ષને યાદ કરવાનો દિવસ છે, જેમના પાયાના સ્તરના પ્રયત્નો કારણે આ જીત હકીકતમાં ફેરવાઈ છે. અમારા કાર્યકરો અમારી શક્તિ છે અને અમને તેમના પર ગર્વ છે.”
LDFના 30 વર્ષના શાસનનો અંત
ઉલ્લેખનીય છે કે તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશન પર છેલ્લા 30 વર્ષથી LDFનું શાસન હતું, જે હવે NDAના હાથમાં ગયું છે. બે ટર્મથી વિરોધ પક્ષમાં રહેલી ભાજપ 2025માં સત્તાની નજીક પહોંચી છે, જ્યારે UDF ત્રીજા સ્થાને છે. કોર્પોરેશનમાં ભાજપે 50 બેઠકો જીતી છે, જ્યારે બહુમતી માટે 51 બેઠકો જરૂરી છે. અપક્ષ ઉમેદવારના સમર્થનથી ભાજપ સત્તા રચી શકે તેવી શક્યતા છે.


