કેરળના ઇડુક્કી જિલ્લાના મુન્નારમાં પંચાયતની ચૂંટણી થવાની છે. આ ચૂંટણી પહેલા એક નામ છે જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ નામને લઇને સમગ્રના લોકોથી લઇને દેશભરના લોકોનું ધ્યાન પોતાના પર ખેંચ્યુ છે. અને આ નામ છે સોનિયા ગાંધી. વળી રસપ્રદ વાત એ છે કે સોનિયા ગાંધી ભાજપની ટિકિટ પરથી પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે.
સોનિયા ગાંધી લડશે ચૂંટણી
જ્યારે લોકોએ પહેલી વાર આ નામ સાંભળ્યું, ત્યારે તેમને લાગ્યું કે કોઇ ભૂલ છે અથવા તો સંયોગ છે. પરંતુ સ્થાનિક રાજકારણમાં આ નામ સાચું છે, અને તેથી જ મુન્નારમાં આગામી પંચાયત ચૂંટણીઓ રસનો વિષય બની ગઈ છે. મળતી માહિતી અનુસાર સોનિયા ગાંધી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ દુર્રાજની પુત્રી છે. તેમના પિતાએ એક સમયે સોનિયા ગાંધીની પ્રશંસામાં તેમની પુત્રીનું આ નામ રાખ્યું હતું. સોનિયાના લગ્ન ભાજપના સક્રિય નેતા સુભાષ સાથે થયા છે.
મુન્નારની સોનિયા ગાંધી કોણ છે?
માહિતી અનુસાર સોનિયા ગાંધી મૂળ નલ્લાથન્ની કલ્લારની છે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ દુર્રાજની પુત્રી છે. લગ્ન પછી સોનિયા ભાજપમાં જોડાઈ હતી. સોનિયાના પતિ સુભાષ પણ ભાજપના સક્રિય નેતા અને પંચાયત મહાસચિવ છે.
બે તબક્કાની સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓ
કેરળની સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાશે. મતદાનની તારીખો 9 અને 11 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે, જેના પરિણામો 13 ડિસેમ્બરે જાહેર થશે. આ ચૂંટણીઓ આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા થઈ રહી છે, તેથી લોકોને તેને સેમી-ફાઇનલનો દરજ્જો આપી રહ્યા છે.ય
બીજી તરફ કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. કોંગ્રેસને “સોનિયા” નામના ઉમેદવાર તરફથી હારનો ભય સતાવી રહ્યો છે. એકંદરે આ રણનીતિ વિપક્ષી પક્ષોની ઊંઘ ઉડાડી રહી છે. કોંગ્રેસ આ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં મજબૂત પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેથી શાસક LDF પર માનસિક દબાણ બનાવી શકાય અને વિધાનસભા ચૂંટણીઓમાં ફાયદો મેળવી શકાય.
ચૂંટણીઓ ક્યારે અને ક્યાં યોજાશે?
કેરળ પંચાયત અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ 9 અને 11 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં રાજ્યની 941 ગ્રામ પંચાયતો, 152 બ્લોક પંચાયતો, 14 જિલ્લા પંચાયતો, 87 નગરપાલિકાઓ અને છ કોર્પોરેશનોમાં યોજાવાની છે.
પ્રથમ તબક્કામાં તિરુવનંતપુરમ, કોલ્લમ, પઠાણમથિટ્ટા, કોટ્ટાયમ, ઇડુક્કી, અલાપ્પુઝા અને એર્નાકુલમ જિલ્લાઓનો સમાવેશ થાય છે. મતદાનનો બીજો તબક્કો ત્રિશૂર, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડમાં થશે. મતદાન સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી ચાલશે. કુલ 1,199 સ્થાનિક સંસ્થાઓ માટે ચૂંટણી લડવામાં આવશે. આમાં ગ્રામ પંચાયતો, બ્લોક પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોનો સમાવેશ થાય છે.


