ભગવાન મહાવીરના મોક્ષગમન પછી બનેલી આ એક ઘટના છે. ભગવાન પાર્શ્વનાથ પ્રભુની પરંપરામાં થયેલા કેશીગણધર નામના મહાત્માની ઘટના આપણને કેટલાક મહત્ત્વના સંદેશ આપે છે.
એ સમયે એ શ્રાવસ્તી નગરીમાં વિચરી રહ્યા હતા. એમની સાથે ઘણા બધા શિષ્યો પણ હતા. શાંતિથી એક વૃક્ષની નીચે બેસીને પોતાની સાધના કરી રહ્યા હતા. એમનાં દર્શન વંદન કરવા એક માણસ આવ્યો. એ મહાત્માને વંદન કરવા ગયો. એમની સાથે થોડી ચર્ચા-વિચારણા કરી.
હકીકત એવી બનેલી કે એ માણસના મનમાં એક ચિંતા હતી. એ પોતે એક રાજ્યનો મંત્રી હતો. શ્વેતાંબી નામની એ સમયે પ્રસિદ્ધ નગરી હતી. એનો રાજા પ્રદેશી નામનો હતો અને એનો આ મંત્રી મિત્ર નામનો હતો. એ પોતે તો આસ્તિક હતો, પણ રાજા થોડો નાસ્તિક હતો. આમ, પ્રજાપાલન, ન્યાય, નીતિ વગેરે માટે એ સજાગ હતો, પણ આ બધું તો બહારનું છે. પોતાના અંતરાત્મા માટે પણ કંઈક તો કરવું જોઈએ કે નહીં?
મંત્રીના મનમાં એક વિચાર ઘર કરી ગયેલો કે આપણે જેનું અન્ન ખાતા હોઈએ એના હિત માટે પ્રયત્ન કરવો જોઈએ. મંત્રીને જ્યારે તક મળે ત્યારે રાજાને સમજાવવાનો પ્રયત્ન રહેતો, પણ રાજાની પાસે તર્કનો ખજાનો હતો. જેના દ્વારા કોઈ પણ વાતને કાપી નાંખે. મંત્રી વિચારતો ક્યાં સુધી એ આવું કરશે. એને વિશ્વાસ હતો, ખોટી વાતનો અંત તો હોય જ.
આ મહાત્માને જોયા પછી હવે મંત્રીને વિશ્વાસ આવી ગયો છે. હું હવે મારી ઈચ્છા પૂરી કરી શકીશ. એમણે મહાત્માને વિનંતી કરી, આપ શ્વેતાંબી નગરી પધારો. મહાત્માએ કહ્યું, જેવો સંયોગ. મિત્ર મંત્રીએ ફરી એમને વિનંતી કરી અને રવાના થયા. કેશીગણધર પણ વિચરતાં વિચરતાં શ્વેતાંબી નગરી તરફ ગયા.
ઉદ્યાનપાલકે આવીને સમાચાર આપ્યા. કેશીગણધર આપણા ઉદ્યાનમાં પધાર્યા છે. મંત્રીએ રાજાની પાસે જઈને વાત કરી, આજે આપણા ઉદ્યાનમાં એક કેશીગણધર નામના મહામુનિ પધાર્યા છે. આપણે એમને વંદન કરવા જઈશું? આપણે આવા મહાત્માઓ આપણા નગરમાં પધારે ત્યારે એમને વંદન કરવા જવાનું હોય.
રાજા પ્રદેશી કહે છે, આવા શિરસ્તાઓને એક બાજુ રાખો, પણ આજે તારી સાથે આવવાનું મારું મન થાય છે. હું તારી સાથે આવીશ, પણ હું પ્રશ્નો પૂછીશ. એના સંતોષકારક જવાબ નહીં મળે તો ક્યારેય આ રીતે આવીશ નહીં. મંત્રીએ કહ્યું, આપની ઈચ્છા નહીં હોય તો હું આપને કેવી રીતે લઈ જઈશ? આખરે તો આપ મારા માલિક છો.
પ્રદેશી રાજા અને મિત્ર મંત્રી સાથે પ્રજાજનો બધા મહાત્માનાં દર્શન, વંદન કરવા ગયા. મુનિએ આત્મકલ્યાણની પ્રવચનધારા વહાવી. થોડી વાર તો એણે શાંતિથી સાંભળ્યું અને પછી એ તો ખડખડાટ હસ્યો. કેશીગણધરે પ્રવચનની ધારાને અટકાવી પૂછ્યું, આપના હસવાનું કારણ?
આપ આત્માના કલ્યાણની વાત કરો છો. જે છે જ નહીં એની વાત સાંભળવાની? જે વસ્તુ હોય એની ચર્ચા કરીએ તો મજા આવે અને કંઈક અર્થ પણ સરે. આત્મા નામની કોઈ વસ્તુ મને દેખાતી નથી. આત્માને શોધવાનો મેં પ્રયત્ન પણ કરેલો પણ મને મળ્યો નથી.
કેવો પ્રયત્ન હતો! એક ચોર પકડાયો. એને દેહાંત દંડની સજા કરવામાં આવેલી. એને મેં એક કમરામાં કેદ કરી દીધેલો. જેની ચારે દીવાલો પેક હતી. દરવાજામાં ક્યાંય જગ્યા રાખી ન હતી અને દરવાજા પાસે મારા સૈનિકો ખુલ્લી તલવારે ઊભા હતા, પણ એમને ક્યાંય કોઈ આત્માને નીકળતો જોયો નહીં.
એના પછી બીજી વાર આવી ઘટના બની.
એ સમયે એ ચોરને એક કાચની પેટીમાં પેક કરી દીધો. એની આસપાસમાં મારા માણસોને ઊભા રાખેલા. આત્મા અહીંથી ભાગે તો પકડી લેવા માટે. તો એ ત્યાં પણ મારા હાથમાં આવ્યો નહીં, એટલે મને લાગે છે આત્મા નામનો કોઈ પદાર્થ છે નહીં.
આટલી વાત સાંભળ્યા પછી હવે કેશીગણધર ખડખડાટ હસે છે. રાજા કહે છે, આપ હસ્યા કેમ? મારી વાત હસવા જેવી લાગે છે?
શું માત્ર આંખથી દેખાય એને જ માનવાનું હોય એવી સમજ કેટલી સાચી છે? કોઈ તલના બીજને જોયો. એની આસપાસ જુઓ તો તેલ ના દેખાય, પણ એને ઘાણીમાં પીલવામાં આવે તો તેલ નીકળેને?
સાકર તો તમે ખાધી હશે. એમાં રહેલી મીઠાશ તમે આંખથી જોઈ શકશો? આંખનો એ વિષય નથી એ તો જીભનો વિષય છે. જે વસ્તુનો વિષય હોય એ રીતે જો એને જોવામાં આવે તો જ એ દેખાય. બાકી તો ક્યાંય દેખાય? આત્માને જોવા માટે તમારે એને કાચની પેટીમાં કે પેક કમરામાં પૂરવાની જરૂર જ નથી. એ તો આપણને અહીં બેઠા પણ અનુભવાય.
વાસ્તવમાં આત્મા જોવાનો વિષય નથી, પણ આત્મા અનુભવનો વિષય છે. જીવતો માણસ ખાવાની, પીવાની, બેસવાની, બોલવાની, ચાલવાની વગેરે બધી (ક્રિયાઓ) કરી શકે છે, પણ મરેલા માણસના મડદા પાસે આવી બધી ક્રિયાઓ કરાવવામાં આવે તો એ કરશે? નહીં કરે ને? આ જ સાચી પરીક્ષા છે. આત્મા અરૂપી છે. એ દેખાય નહીં અને પકડાય પણ નહીં, પણ એનો અનુભવ કરી શકાય. અત્યારે મારી સમક્ષ તમે બેઠેલા છો એ માત્ર શરીરથી બેઠા છો? ના, આત્મા સહિત શરીરના કારણે બેઠા છો અને સાંભળી રહ્યા છો. ભૂતકાળની વાતો તમે સ્મરણ કરી શકો છો. એ સ્મરણ કરવાવાળો આત્મા સિવાય બીજો કયો પદાર્થ હોઈ શકે?
આ રીતે એમને સમજાવ્યા અને પેલા પ્રદેશી રાજાના મનમાં આત્મા નામનો પદાર્થ સમજાયો અને હવે એ ધર્મની આરાધના કરા લાગ્યા.
એક વાર આ કેશીગણધર એક ઉદ્યાનમાં વિચરતા હતા, યોગાનુયોગ એ જ નગરના અન્ય ઉદ્યાનમાં શ્રી ગૌતમ સ્વામીજી પણ વિચરતા હતા. બેયની દેશના પોતપોતાના સ્થાનમાં ચાલતી હોય અને સાંભળનારા તો બેય સ્થાનોમાં જતા જ હોય.
બંનેની પ્રવચન પદ્ધતિ, પ્રવચનના વિષયો સમાન હોય અને છતાં એમના મૂળભૂત આચારવિચારોમાં ફરક જણાતો હોય. આવો ફરક કેમ છે? એવો એમને પ્રશ્ન થતો. એટલે ગૌતમ સ્વામીના પ્રવચન સાંભળીને કેશીગણધરના પ્રવચન સાંભળવા આવેલા કેટલાક માણસો પ્રવચન પછી એમને રૂબરૂ મળ્યા અને એમને પૂછ્યું કે અમે ગૌતમ સ્વામીજીના પ્રવચન સાંભળ્યા એમની અને આપની દેશના પદ્ધતિ સમાન છે. તો આટલો બધો આચારવિચારનો ફરક શા માટે? જેમ કે એ પંચમહાવ્રતધારી, તમે ચાર મહામહાવ્રતધારી. એમના બધા મહાત્માઓનાં વસ્ત્રોના વર્ણ એકમાત્ર શ્વેત, જ્યારે આપના મહાત્માઓનાં વસ્ત્રો અલગ વર્ણનાં છે. પેલા મહાત્માઓ એક માસથી વધારે ક્યાંય રહેતા નથી, જ્યારે આપને એવો કોઈ નિયમ નથી. આ બધાનું કારણ શું?
એટલે મૂંઝાયા કે આવું છે? તો ચાલો આપણે એમની પાસે જઈએ અને એમની પાસે જ સ્પષ્ટતા કરીએે કે તમારી અને અમારી વચ્ચે વિચારભેદ નથી તો આચારભેદ કેમ?
કેશીગણધરને એ સમયે એવો વિચાર ન આવ્યો કે અમારો આ આચાર છે. હું એમને ઓળખતો નથી. એમને ગમે તે એ કરે. એમાં અમારે શું? આવો કોઈ વિચાર નહીં. પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં એ સૌથી વડા હતા, પણ પોતાની મોટાઈનો વિચાર કરવા એ રહ્યા નહીં અને બધું લશ્કર ગૌતમસ્વામી મહારાજા પાસે ગયું.
એમને સમાચાર મળ્યા કે આ રીતે કેશીગણધર આવી રહ્યા છે. એમના શિષ્યોને એમણે સામે લેવા માટે મોકલ્યા. એ એમને આદરપૂર્વક લઈને આવ્યા. બંને જણા એક મોટી શિલા ઉપર બિરાજમાન થયા અને પેલા માણસે કરેલા પ્રશ્નો ગૌતમસ્વામીજીની સામે રજૂ કર્યા.
ગૌતમસ્વામીજીએ કહ્યું, તમારા ધર્મમાં અને અમારા ધર્મમાં કોઈ અંતર નથી. એય એક જ છે. માત્ર આચારમાં સામાન્ય ફરક જે દેખાય એ એમાં કારણ કાળનો પ્રભાવ છે. ભગવાન પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી મહાવીર સ્વામીજી ચોવીસ તીર્થંકર થયા. કાળના પ્રભાવને એમણે જોયો એટલે એમણે બધી જ વાતો સ્પષ્ટ કરી. વસ્ત્રોના વર્ણનનું મહત્ત્વ નથી. એવું પાર્શ્વનાથ ભગવાને વિચારેલું હોય. ભગવાન મહાવીર પ્રભુએ કહેલું હોય કે શ્વેત વસ્ત્ર અને અલ્પ મૂલ્યવાળાં જ વસ્ત્રો વાપરવાં એટલે આવાં વસ્ત્રો ઉપર રાગ થવાનો સંભવ ન રહે.
પાંચ વ્રતો અને ચાર વ્રતોમાં પણ એ જ રીતે અબ્રહ્મનું સેવન ન કરવાનું, બંને સંમત છે, પણ સ્ત્રીના પરિગ્રહ વગર સેવન કરાય નહીં. આવી એમની પાર્શ્વનાથ પ્રભુની વાત હતી. મહાવીર પ્રભુને આ વાત સ્પષ્ટતા કરવા જેવી લાગી ને અલગ વ્રત તરીકે જાહેર કર્યું, પણ એમાં કોઈ ફરક છે જ નહીં.
આ રીતે બધી સ્પષ્ટતા કરી. સાંભળ્યા પછી કેશીગણધર કહે છે બે પ્રવાહ અલગ રાખવા કરતાં એક જ થઈ જાય એ વધારે સારું અને કેશીગણધર ગૌતમસ્વામીજીના પ્રવાહમાં ભળી ગયા. આટલા મોટા પ્રવાહના સૂત્રધાર આ રીતે સહજતાથી સામેના માણસનો સ્વીકાર કરી દે એમાં એમની કેટલી મહાનતા સમજી શકાય.
વંદન આવા વિરલ મહાત્માઓને.
આપણી પાસે આવી સરળતા આવી જાય તો કેવી સરસ રીતે આરાધના કરી શકાય!