- લોકસભાની ચૂંટણીને લઇને ભાજપનું મંથન
- સવારે 3.30 કલાક સુધી ચાલી બેઠક
- પીએમ મોદીની અધ્યક્ષતામાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે મળી હતી બેઠક
લોકસભાની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે. જેને લઇને દરેક પાર્ટી પ્રચાર પ્રસારમાં વ્યસ્ત બની છે. એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા તો બીજી તરફ ભાજપની સંકલ્પ યાત્રાની પણ શરૂઆત થઇ ગઇ છે. તેવામાં હવે ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરવા માટે બેઠકો કરી રહી છે. દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી જેમાં પીએમ મોદી પણ હાજર રહ્યા હતા.
સવારે 3.30 કલાક સુધી ચાલી બેઠક
પીએમ મોદીની અધ્યક્ષતામાં આખી રાત કલાકો સુધી બેઠક ચાલી હતી. સવારે લગભગ 3.30 કલાકે પીએમ મોદી બીજેપી હેડક્વાર્ટરથી નીકળ્યા હતા. આ બેઠકમાં બીજેપી અધ્યક્ષ જે.પી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. યોગી આદિત્યનાથ સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપની મહત્વપૂર્ણ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. સૂત્રોએ સંકેત આપ્યો છે કે તેલંગાણામાંથી 4-5 ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. આ વખતે પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં 400ને પાર કરવાનો નારો આપ્યો છે.
બેઠકમાં શું થઇ ચર્ચા ?
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં સૌથી પહેલા ઉત્તર પ્રદેશના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ હતી, જે લગભગ 25 મિનિટ સુધી ચાલી હતી. યુપી બાદ પશ્ચિમ બંગાળની તમામ સીટો માટે ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ હતી. આ પછી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં છત્તીસગઢ પર ચર્ચા કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે પ્રથમ યાદીમાં ભાજપ છત્તીસગઢની ચાર લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. જો કે તમામ બેઠકો પર ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. આ પછી તેલંગાણાને લઈને ફરી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. માનવામાં આવે છે કે આ વખતે તેલંગાણાના ત્રણ વર્તમાન સાંસદોને ફરીથી ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે.


