સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
સરકારી ખરાબાને કોતરી ખાતી પાંચ ખાણો પર તંત્ર ત્રાટક્યું: ૧૦૦ પોલીસના બંદોબસ્ત સાથે કાર્યવાહી: 3૮ ડમ્પર, ૧૪ હિટાચી મશીન સહિત રૂ.૧૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં બેફામ રીતે ખાણો ખોદી અને પથ્થરની ચોરી કરવામાં આવતી હોય તે પ્રકારની ફરિયાદો પોલીસ વિભાગ અને તંત્રને મળી હતી, જે આધારે સુરેન્દ્રનગરના લીમડી ડીવાયએસપી, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા, સાયલા પોલીસની ટીમો, સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમો અને સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસની ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન બહાર પાડવામાં આવ્યું હતું.
સાયલા તાલુકાના સુદામડા ગામે સીમ વિસ્તારમાં સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદેસર ખાણો ખોદવામાં આવી હોવાનો પણ ધડાકો થયો હતો. આ સંદર્ભે 5 જેટલી ગેરકાયદેસર ખાણો જપ્ત કરવામાં આવી હતી અને તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તપાસમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી અને બ્લેકટ્રેપ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું.
આ સંદર્ભે રેડ દરમિયાન ત્યાંથી 38 જેટલા ડમ્પર, 14 જેટલા હિટાચી મશીન મળી આવ્યા હતા જે તમામ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે ખોદકામ કરવામાં આવેલા પથ્થરનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે અને સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં છે.
રેડ દરમિયાન પીઆઇ, પીએસઆઇઓ અને 100થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત રાખવામાં આવ્યા હતા અને રેડ દરમિયાન 18 કરોડથી વધુની રકમના મુદ્દામાલ જપ્ત કરી અને ખનીજ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સ્થળ ઉપર દરોડા પાડી અને ગેરકાયદેસર પથ્થરની પાંચ જેટલી ખાણો ઝડપી પાડવામાં આવી છે. સ્થળ પર અગાઉ ખાણ ખનીજ વિભાગ પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા પણ દરોડા પાડવામાં આવ્યા છે, તે છતાં પણ આ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનું ખોદકામ બંધ કરવામાં આવી રહ્યું નથી.
પથ્થરનું ગેરકાયદેસર ખોદકામ કરી, કપચી બનાવી, બેફામ વેચાણ કરી અને કાળી કમાણી કરવામાં આવતી હોવાનું પણ બહાર આવ્યું છે. આ સમગ્ર નેટવર્ક ચલાવતા ખનીજ માફિયાઓ વિરોધમાં તપાસ ચાલી રહી છે. હાલના તબક્કામાં આ સમગ્ર તપાસ ખનીજ વિભાગને સોંપવામાં આવી હોવાનું પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું દ્વારા જણાવવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા આ સંદર્ભે જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ વિભાગની ટીમોને મળેલી ખાનગી બાતમીના આધારે લીંબડી ડીવાયએસપી અને તેમની ટીમો દ્વારા આ સંયુક્ત ઓપરેશન બહાર પાડવામાં આવ્યું છે. 38 જેટલા ડમ્પરો, 14 જેટલા મશીનો જપ્ત કરવામાં આવ્યા છે.
ખનીજની સૌથી મોટી રેડ આ માનવામાં આવી રહી છે, જેને લઇને ખનીજ માફીઆઓમાં પણ ફાફડાટ ફેલાયો છે. હાલના તબક્કામાં કેજીએફ જેટલી મોટી ખાણો કોના દ્વારા ખોદવામાં આવી તે દિશામાં તો તપાસ ચાલી રહી છે. પરંતુ જે માપણીની પ્રક્રિયા છે, દંડ આપવાની પ્રક્રિયા છે તે ખાણ ખનીજ વિભાગને કામગીરી સોંપવામાં આવી છે.


