- પુરાવા સાથે મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરાઇ
- સરકારી જમીનમાં બાંધકામની મંજૂરી પાલિકાએ રદ કર્યા
- ગ્રીનઝોનમાં મોટી હોસ્પિટલના બાંધકામ જ ન થઇ શકે
ધ્રાંગધ્રા શહેરમાં સંસ્કારધામ મલ્ટી સ્પેશિયયાલિટી હોસ્પિટલ માટે ફાળવેલી સરકારી જમીનમાં બાંધકામની મંજૂરી પાલિકાએ રદ કર્યા બાદ નોટીસ પાઠવતા શરતભંગ થતી હોઇ મુખ્યમંત્રી, જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી જમીન ખાલસા કરવાની માંગ કરી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ગ્રીનઝોનમાં મોટી હોસ્પિટલના બાંધકામ જ ન થઇ શકે એમ છતાંય બિનખેતી મલ્ટી સ્પે. હોસ્પિટલ માટે ગ્રીન ઝોનમાં જમીન ફાળવાયાનું સામે આવ્યુ છે. એવામાં સ્વામીનારાયણ સંસ્કારધામ ગુરૂકુલ ટ્રસ્ટ દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકામાં બાંધકામની મંજૂરી માંગતા ચીફ ઓફીસરે ગ્રીન ઝોનના કારણે મંજૂરી પણ રદ્ કરી દીધી હતી. એમ છતાંય મોટાપાયે બાંધકામ શરૂ કર્યાની રોહીતભાઇ ઠાકોરે નગરપાલિકામાં રજૂઆત કરતા ટાઉન પ્લાનિંગની ટીમે તાત્કાલિક સંસ્કારધામ ટ્રસ્ટને વગર મંજૂરીનું બાંધકામ બંધ કરવા અને સાત દિવસમાં પુરાવા રજૂ કરવા નોટીસ પાઠવાઇ છે. હવે પુરાવા રજૂ નહીં થાય તો ટ્રસ્ટીઓ સામે કેવા પ્રકારની કાયદેસરની કાર્યવાહી થાય છે? એની સામે સૌની નજર મંડાયેલી છે. એવામાં આ જગ્યા શરતભંગ થઇ રહી છે. કારણ છ મહિનામાં તંત્ર પાસે પ્લાન મંજૂર કરાવી બાંધકામ શરૂ કરવાનો કલેકટરનો હુકમ છે. પરંતુ 13 મહિના થવા છતાંય પ્લાન મંજૂર કરાવ્યા વગર બાંધકામ ચાલુ છે અને હુકમના નિયમનું ઉલ્લંઘન થાય તો જમીન ખાલસા કરવાનો પણ ઉલ્લેખ છે. ત્યારે સામાજિક કાર્યકર રોહીતભાઇએ મુખ્યમંત્રી અને કલેકટર સુરેન્દ્રનગરને આ સંસ્કારધામ ટ્રસ્ટને મલ્ટી સ્પેશિયયાલિટી હોસ્પિટલ માટે સરકારી ફાળવેલી જમીન શરતભંગ થતી હોવાથી જમીન ખાલસા કરવાની પુરાવા સાથે રજૂઆત કરી છે. હવે જિલ્લા કલેકટર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે? એની સામે સૌની નજર મંડાયેલી છે.


