ખેડાના નડિયાદમાં રખડતા આખલાઓના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નીલકંઠ મહાદેવ મંદિર નજીક બજારમાંથી જાન પસાર થઈ રહી હતી.તે સમયે જ બે આખલાઓ બાખડ્યા હતા.જેથી વિસ્તારમાં દોડધામ મચી હતી.આખલાઓએ એક વ્યકિ્તને હવામાં 9 ફૂટ સુધી ફંગોળ્યો હતો.તેને ગંભીરઈજા પહોંચી છે. આ ઉપરાંત અન્ય ત્રણ લોકોને પણ આ ઘટનામાં ઈજા પહોંચી છે. જેથી તમામને સારવાર માટે હોસિ્પટલમાં ખસેડવામાં આવ્યા છે.
નડિયાદમાં રખડતા આખલાને કારણે લોકો ત્રાહિમામ
નડિયાદમાં છેલ્લા 40 દિવસમાં આખલા યુદ્ધની આ ચોથી ઘટના સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે આ વિસ્તારમાંથી એક લગ્નની જાન પસાર થઈ રહી હતી.અચાનક બેફામ બનેલા આખલાઓ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું.જેથી આખા વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.બે આખલાઓ વચ્ચે જોરદાર યુદ્ધ ચાલ્યું હતું. ત્યારે ઝઘડતા આખલાઓને શાંત પાડવા માટે એક યુવક વચ્ચે પડ્યો હતો.ગુસ્સે ભરાયેલા એક આખલાએ મુકેશ પરમાર નામના યુવકને પાછળથી જોરદાર ગોથું મારી હવામાં 9 ફૂટ ઊચો ફંગોળી દીધો હતો.
ચારેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા
ગંભીર રીતે ઘાયલ થયેલા આ મુકેશને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.આ જ આખલાઓએ રોડ પર આગળ જતાં વધુ ત્રણ લોકોને પણ ઈજા પહોંચાડી હતી.ગત 28 ઓક્ટોબર 21 નવેમ્બર અને 26 નવેમ્બર પણ નડિયાદના અલગ અલગ વિસ્તારોમાં આખલા બાખડ્યા હોવાની ઘટનાઓ સામે આવી હતી અને આ ચોથો બનાવ છે.


