ખેડા જિલ્લામાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. આવામાં ગત મોડી રાત્રે વધુ એક અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી ગઈ છે. ખેડા-બારેજા નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દ્વારા કાર ચાલકને કારમાંથી બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત
ઘટનાની મળતી માહિતી અનુસાર, ખેડા તરફથી આવી રહેલી એક કાર ખેડા બારેજા નેશનલ હાઈવે પર ઊભેલી ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જે કારણે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકને હાઈવે પર ઊભેલી ટ્રક ન દેખાતા ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.
108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકો દ્વારા કાર ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


