માર મારી વીડિયો ઉતારી છોડી મૂકયાની પોલીસ ફરિયાદ : પોરબંદરના શખ્સોએ કર્યુ હતું અપહરણ
પોરબંદરની એક યુવતી સાથે મિત્રતાના મામલે રાજકોટના એક યુવાનનું અપહરણ કરી માર મારી તેને છોડી મુકયો હોવાની પોલીસ ફરિયાદ થઇ છે. એટલું જ નહીં આ શખ્સ પાસે વીડિયોમાં તેણે આ યુવતી સાથે મિત્રતા હતી તેવી ખાત્રી પણ લેવામાં આવી હતી. અપહરણમાં યુવતીના ભાઇ અને અન્ય પોરબંદરના શખ્સો હોવાનું ખુલવા પામ્યું છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ ગોકુલધામ આવાસ યોજના ક્વાર્ટર નં. ૧૧ બીજા માળે રહેતો હાર્દિક પ્રવિણભાઇ સોલંકી (ઉ.વ.૨૪) રાતે આઠેક વાગ્યે ઘરે હતો ત્યારે તેને ત્યાંથી નીચે બોલાવી ફોર્ચ્યુનર કારમાં બેસાડી ઉઠાવી જવાયો હતો. નાના ભાઇ ભૌમિક સોલંકીની નજર સામે જ ઘટના બની હોઇ તેણે માલવીયાનગર પોલીસને જાણ કરતાં મોબાઇલ લોકેશનને આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. પણ હાર્દિકનો મોબાઇલ સતત બંધ આવતો હતો. બાદમાં રાતે ફોન ચાલુ થતાં પોલીસે લોકેશન શોધતાં તે ગોંડલ આશાપુરા ડેમ નજીક હોઇ ત્યાંથી તેને રાજકોટ લાવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો.
બનાવ અંગે પોલીસે હાર્દિકના ભાઇ ભોૈમિક પ્રવિણભાઇ સોલંકી (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી પરીયો ગઢવી, મેટીયો, અમરદિપ ઝાલા, જયલો, રાધે કોળી અને બે અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ભોમિકે જણાવ્યું હતું કે અમે બે ભાઇઓ અને બે બહેનો છીએ. હાર્દિક મારાથી મોટો છે. મારા પિતા ત્રણેક વર્ષથી અલગ રહે છે. હું ગેરેજનું કામ કરતો હોઉ રાતે આઠેક વાગ્યે ઘરે આવ્યો ત્યારે ક્વાર્ટર નીચે એક સફેદ ફોર્ચ્યુનર ઉભી હતી.
આ કારમાંથી પુનીતનગરનો પરીયો ગઢવી, મેટીયો, અમરદિપ, જયલો, રાધે કોળી સહિતના લોખંડના ધોકા લઇને ઉતર્યા હતાં. બે અજાણ્યાને હું ઓળખતો નહોતો, એ બંનેના હાથમાં લાકડાના ધોકા હતાં. મારો ભાઇ હાર્દિક પણ નીચે ઉભો હતો. પરીયાએ નજીક આવી માર ભાઇ સાથે કંઇક વાત કરતાં મારા ભાઇએ ‘તું મને મારવા આવ્યો છો તો મારી લે’ તેમ કહેતાં પરીયાએ પહેલા તું ગાડીમાં બેસી જા તેમ કહેતાં મારા ભાઇએ ના પાડતાં આ બધાએ ભેગા મળી મારા ભાઇને ખેંચીને પરાણે કારમાં બેસાડી દીધો હતો. તેમજ ઢીકા પાટુ મારવાનું ચાલુ કર્યુ હતું. હું મારા ભાઇને છોડાવવા જતાં મારા પર ધોકા પાઇપના ઘા કર્યા હતાં. પણ હું બચી ગયો હતો. પરીયાએ મને પણ કહેલું કે-‘જો તું વચ્ચે આવીશ તો તું પણ મરી ગ્યો માન’ તેમ કહેતાં હું ક્વાર્ટરમાં ઉપર જતો રહ્યો હતો અને ત્યાંથી બધુ જોતો હોત. આ બધા મારા ભાઇને કારમાં નાખી મારી નજર સામે જ લઇ ગયા હતાં.
બાદમાં મેં મારા માતાને ફોનથી જાણ કરી હતી અને મિત્રને લઇ પોલીસ સ્ટેશને ફયિરાદ કરવા પહોંચ્યો હતો. તેમ વધુમાં ભોૈમિકે જણાવ્યું હતું. અપહરણના બનાવ અંગે એએસઆઇ કે. યુ. વાળાએ ગુનો દાખલ કરાવ્યો હતો. પીઆઇ જે. આર. દેસાઇ, પીઆઇ એમ. બી. ગઢવી, પીએસઆઇ ગજેરા, જયદેવસિંહ, ભાવેશભાઇ સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે હાર્દિકનો મોબાઇલ ફોન ટ્રેસ કરવા પ્રયાસ કર્યો હતો. પણ ફોન બંધ થઇ ગયો હતો. પોલીસે પુનિતનગર વિસ્તારમાં પણ ટીમ દોડાવી હતી. પરંતુ જેના નામ અપાયા હતાં એ કોઇ મળ્યા નહોતી. મોડી રાતે હાર્દિકનો ફોન ચાલુ થતાં તે ગોંડલ તરફનું લોકેશન બતાવતો હોઇ પોલીસ ત્યાં પહોંચી હતી અને તેને સારવાર માટે ખસેડયો હતો.
હાર્દિકે જણાવ્યું હતું કે હું મેટોડા કામે જતો હોઇ પોરબંદરની એક યુવતિ સાથે મિત્રતા થઇ હતી. એકાદ વર્ષથી અમારે પરિચય થયો હતો. એ પછી બે દિવસ પહેલા જ મારા માતાને સાથે રાખી યુવતિના પરિવારજનો સાથે બેઠક કરી હતી. ત્યારે યુવતિના એક સગાએ ધાકધમકીની ભાષામાં વાત કરી હતી. એ પછી ગત રાતે મને ઉઠાવી લેવાયો હતો. પોરબંદરના શખ્સોએ હવાલો દઇ પરીયો ગઢવી સહિતનાને મોકલી મારુ અપહરણ કરાવ્યું હતું અને ગોંડલ નજીક આશાપુરા ડેમ પાસે લઇ જઇ ધોકા-પાઇપથી માર માર્યો હતો. તેમજ મારે યુવતિ સાથે પરિચય છે તેવું બોલાવી વિડીયો પણ ઉતાર્યા હતાં. એ સ્થળે બીજી ગાડીમાં પોરબંદર તરફના શખ્સો હોય તેવું લાગતું હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. આરોપીઓમાં જેના નામ છે તે પૈકીના કેટલાક અગાઉ અટીકા નહેરૂનગરમાં કારના કાચ તોડવામાં પણ સંડોવાયા હતાં.