- ગઇકાલે કરણી સેનાના સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં હત્યા
- હત્યારાઓ મુલાકાત કરવાના બહાને આવ્યા અને કાંડ કરી ગયા
- જે શખ્સની સાથે મળવા આવ્યા હતા તેને પણ ઠાર કરતાં ગયા
જયપુરમાં જે રીતે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી તે બધાને હેરાન કરી રહ્યું છે. આ હત્યાકાંડને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે આ મામલે પોલીસે જેટલા પણ ખુલાસા કર્યા છે તે કોઈને પણ ગળે નથી ઉતરી રહ્યા. કારણ કે જે શખ્સ પર હત્યાનું ષડયંત્ર કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે પોતે પણ ઠાર મરાયો છે અને જેમણે હત્યા કરી તેઓ પણ હાલ તો પોલીસની પકડથી દૂર છે. તો વાસ્તવિક વાત પોલીસને કોણે જણાવી.
ફૂલપ્રૂફ હતું હત્યાનું પ્લાનિંગ
કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની સાથે સાથે ત્યાં હાજર નવીન શેખાવતને જે રીતે ગોળી મારવામાં આવી તેણે એક જ ઝાટકે અનેક સવાલો ઊભા કરી દીધા છે. પ્રાથમિક તપાસમાં એ તો સાબિત થઈ ગયું છે કે ગોગામેડીની હત્યા કરવા માટે ફૂલપ્રૂફ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. તેના માટે પહેલેથી જ ગાડી લઈ લેવામાં આવી હતી, બાદમાં હત્યારાઓ તે જ ગાડીમાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બાદમાં સુખદેવ સિંહની હત્યા કરી દેવામાં આવી. તેમ છતાં આ હત્યાકાંડમાં અનેક સવાલો છે.
મંગળવાર સુખદેવ સિંહ માટે બન્યો અમંગળ
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી કેટલાંક લોકો સાથે પોતાના ઘરે ઓફિસમાં બેઠા હતા. CCTV ફૂટેજ જોઈને સ્પષ્ટ છે કે કોઈ ગરમાગરમીનો માહોલ નહોતો કે કોઈ ઉશ્કેરાઈ જવા જેવી વાત નહોતી. રૂમમાં સામેની બાજુ ગોગામેડી બેઠા છે અને મોબાઈલ જોઈ રહ્યા છે અને વાતો કરી રહ્યા છે. તેમની ડાબી બાજુ એક શખ્સ ઊભો છે. ગોગામેડીની જમણી બાજુ એક શખ્સ છે જે નવીન શેખાવત હોવાનું કહેવાઈ રહ્યું છે. નવીન અને સુખદેવ વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ દરમિયાન નવીન સુખદેવને પોતાનો ફોન બતાવે છે. બે લોકો ગોગામેડીની સામે બેઠા છે.
હત્યારાઓએ કર્યું અંધાધૂન ફાયરિંગ
પરંતુ, ત્યાં અચાનક ગોગામેડીની સામે સોફા પર બેઠેલ શખ્સો ઊભા થાય છે અને પોતાની પાસે રહેલા હથિયારોથી ગોગામેડીને નિશાન બનાવે છે અને ફાયરિંગ કરે છે. પહેલી ગોળી સીધી જ ગોગામેડીની છાતીમાં વાગે છે. ત્યારબાદ, તે નાનકડા રૂમમાં બંને શખ્સો જે રીતે તાબડતોબ અંધાધૂન ફાયરિંગ કરે છે કે કોઈને સમજવાની તક જ નથી મળતી.
જતાં જતાં ગોગામેડીના માથામાં મારી ગોળી
ગોગામેડી ઉપરાંત હુમલાખોરો ત્યાં હાજર અન્ય લોકો પર પણ ફાયરિંગ શરૂ કરી દે છે. અને ત્યાં હાજર લોકો ગોળીઓના હુમલાથી બચવા માટે અહીં-તહી ભાગવાનો પ્રયાસ કરે છે, પરંતુ ગોગામેડી ભાગી શકતા નથી અને તે બે સોફાની વચ્ચે ફસડાઈ પડે છે, પરંતુ જતી વખતે, હુમલાખોરોએ ખૂબ નજીકથી તેના માથા પર બીજી ગોળી મારે છે અને પછી ફરાર થઈ જાય છે.
આ રીતે ઠાર મરાયો નવીન શેખાવત
તમને જણાવ્યું તેમ સમગ્ર હત્યાકાંડ CCTV ફૂટેજમાં કેદ થઈ ગયો છે. ફૂટેજમાં ડબલ ક્રોસ ફાયરિંગની એક ભયાનક દાસ્તાન પણ છુપાયેલી છે. વાસ્તવમાં ગોગામેડી પાસે સોફા પર બેસીને વાત કરી રહેલો શખ્સ નવીન શેખાવત છે, જે હત્યારાઓને ગોગામેડીના ઘરે લઈને આવ્યો હતો. પરંતુ હત્યારાઓએ ગોગામેડી પર ફાયરિંગ કરતાંની સાથે સાથે નવીન શેખાવતને પણ ટાર્ગેટ કર્યો હતો. અને આ સમગ્ર હત્યાકાંડનો ષડયંત્ર રચનાર શંકાસ્પદ હત્યારા નવીન શેખાવતનું પણ મોત થઈ ગયું.
હત્યા પાછળ ગેંગસ્ટર રોહિત ગોદારા
પ્રાથમિક તપાસ મુજબ બંને હુમલાખોરોએ બહાર આવીને કાર લૂટીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. પરંતુ બાદમાં એક મહિલાની સ્કૂટી છીનવીને ફરાર થઈ ગયા હતા. હત્યાના આ ષડયંત્ર પર લોકો અનેક ક્યાસ લગાવી જ રહ્યા હતા ત્યાં સુધી તો રાજસ્થાનના ગેંગસ્ટર રોહિત ગોદારાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને ગોગામેડીની હત્યાની જવાબદારી સ્વીકારી છે. ગોદરા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ખાસ માણસ માનવામાં આવે છે. તેણે લખ્યું કે ગોગામેડી તેના દુશ્મનો સાથે મળેલો હતો અને બદલો લેવા તેણે તેની હત્યા કરાવી.


