- દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ આપી જાણકારી
- પુત્રીએ સુરમુખત્યાર સાથે મિસાઇલ પરીક્ષણ નિહાળ્યું
- તે પછી અનેક અટકળો ચાલી રહી છે
દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ કહ્યું છે કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની 10 વર્ષની પુત્રી તેમની ઉત્તરાધિકારી બની શકે છે. કિમ જોંગની 10 વર્ષની પુત્રી જૂ એ નવેમ્બર 2022માં પહેલીવાર જાહેરમાં જોવા મળી હતી. પુત્રીએ પિતા સાથે લોંગ રેન્જ મિસાઇલની પરીક્ષણ કાર્યવાહી નિહાળી હતી. તે પછી અનેક અટકળો ચાલી રહી છે.
તે પછી પુત્રીએ પિતા સાથે અનેક જાહેર કાર્યક્રમમાં દેખા દીધા છે. સરકારી મીડિયા આ પુત્રીને તેના પિતાની ખૂબ જ પ્રિય પુત્રી હોવાનું કહી રહ્યા છે. દક્ષિણ કોરિયાની મુખ્ય ગુપ્તચર એજન્સી નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસે ગુરુવારે જણાવ્યું હતું કે જૂ એ તેના પિતા કિમ જોંગની ઉત્તરાધિકારી બની શકે છે.
પુત્રી જૂ એની જાહેર પ્રવૃત્તિ, તેને મળી રહેલા પ્રોટોકોલ એમ તમામ બાબતનું વ્યાપક વિષ્લેષણ કરીને દક્ષિણ કોરિયાની આ એજન્સીએ આ ટિપ્પણી આપી છે ઉત્તર કોરિયાના ઘટનાક્રમની સમીક્ષાનો એજન્સીનો રેકર્ડ જોકે સારો નથી રહ્યો. પરંતુ ઉત્તર કોરિયાના મીડિયાએ દેશની સેનાના જનરલ અને ઉચ્ચ પદાધિકારીઓ સરમુખત્યારની પુત્રી જૂ એ સમક્ષ નમી જતા હોવાનું દર્શાવી રહ્યા છે. આ તસવીરોએ દેશ બહારના સમીક્ષકોને આવી અટકળો કરવા પ્રેર્યા છે. તેઓ અટકળો કરવા લાગ્યા છે કે પિતા પછી જૂ એ જ પિતાની ઉત્તરાધિકારી બને તે રીતે તેને તાલીમ અપાઇ રહી છે.


