જીવદયાપ્રેમી જીતુકાકા જાંબલી જૈન સંઘ દ્વારા યુગપુરૂષના મરણોતર સન્માનથી વિભુષિત
અગ્ર ગુજરાત, રાજકોટ
જાંબલી ગલી જૈન સંઘના કાર્યકારી સભ્ય તથા અખિલ ભારતીય કૃષિ ગો સેવા સંઘ અને વર્ધમાન પરિવારના ટ્રસ્ટીવર્ય અને અન્ય અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા જીતુભાઈ દલીચંદ શાહને બોરીવલીના જાંબલી ગલીના જૈન સંઘ દ્વારા યુગપુરુષનું મરણોત્તર સન્માન સેંકડો ભાવિકોની હાજરીમાં પૂજ્ય ગુરુભગવંતોની નિશ્રામાં તેમની ગુણાનુવાદ સભામાં તેમના પરિવારને અર્પણ કરવામાં આવ્યું હતું. જીવદયાની અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા અને વર્ધમાન પરિવારના બોરીવલી કેન્દ્રના મોભી તેમજ મહાત્મા ગાંધી દ્વારા સ્થપાયેલ અને વિનોબા ભાવે દ્વારા સંચાલિત થયેલ અખિલ ભારતીય ગો સેવા સંઘના પણ તેઓ ટ્રસ્ટીવર્ય હતા.
આચાર્ય ભગવંત શ્રી વિનીતસાગરસૂરિજી મ.સા. તથા પં. પ્ર. શ્રી સત્વબોધી મ.સા. તેમજ પં. પ્ર. શ્રી વીતરાગવલ્લભ વિજયજી મ.સા. લાંબો વિહાર કરીને બોરીવલીની જાંબલી ગલીની આ શ્રાવકની ગુણાનુવાદ સભામાં હાજર રહ્યા હતા. અને સભાને તેમના ગુણોનો પરિચય કરાવ્યો હતો. જીતુભાઈના હૃદયમાં દેવનો વાસ હતો, ગુરુનો આવાસ હતો અને ધર્મની સુવાસ હતી. ભાલપ્રદેશ પર પરમાત્માની આજ્ઞાનું કેસરી તિલક, મુખ પર જોમવંતુ હાસ્ય, હૃદયમાં પ્રભુના શાસન પ્રત્યેનો અવિહડ રાગ, હૈયામાં શાસન રક્ષા અને સંઘ સુરક્ષાની ઉદ્દાત ભાવનાઓ, રોમે રોમે સાધર્મિકો પ્રત્યેની અનુપમ ભક્તિ, મગજના અઢી અબજ સેલોમાં જીવદયાનું કાર્ય કરીને સંસ્કૃતિના મૂલ્યોને પુનઃ પ્રતિષ્ઠિત કરવાની અદમ્ય ઝંખના, શક્યતઃ નિર્દોષ શ્રાવક જીવન, ઉભયટંક પ્રતિક્રમણ, કાર્ય કરવા માટે ફંડ એકઠું કરવાની આગવી સૂઝ-શક્તિ અને પુણ્ય તેમના વિશિષ્ટ ગુણો હતા.


