- લાઇવ, પબ્લિક ડોમેન કે સોશિયલ મીડિયામાં આ ગીત ગાવાની મનાઈ કરેલી
- ગીતના કોપીરાઈટ વિવાદ વચ્ચે ઓસ્ટ્રેલિયા, કેનેડા, USમાં 20-25 વખત ગાયું હતું
- સાત દિવસમાં દંડની રકમ નહી ભરે તો કિંજલ દવેને એક સપ્તાહની સાદી કેદ
ચાર-ચાર બંગડીવાળી ગાડી ગીતના કોપીરાઇટ વિવાદમાં ગુજરાતી ગાયિકા કિંજલ દવેને આ ગીત કોઇપણ રીતે લાઇવ, પબ્લીક ડોમેઇન કે સોશિયલ મીડિયામાં ગાવા પર સિવિલ કોર્ટે અગાઉ સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવાયો હોવા છતાં આ વખતની નવરાત્રિમાં કિંજલ દવે આ ગીત ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા સહિતના લાઇવ પરફોર્મન્સ અને યુ ટયુબ તેમ જ પબ્લીક ડોમેઇનમાં ગાતાં તેની વિરૂધ્ધ અદાલતી હુકમના તિરસ્કારની બદલ રેડ રીબન એન્ટરટેઇમેન્ટ પ્રા.લિ તરફ્થી કોર્ટમાં અરજી કરાઇ હતી. જેમાં કોર્ટે કિંજલ દવેને એક લાખ રૂપિયાનો આકરો દંડ ફ્ટકાર્યો છે.
સીટી સિવિલ જજ ભાવેશ કે.અવાશીયાએ સમગ્ર મામલાની ગંભીર નોંધ લઇ કિંજલ દવેના આ કૃત્યને અદાલતી તિરસ્કાર સમાન ગણાવ્યું હતુ અને તેને એક લાખ રૂપિયાનો દંડ સાત દિવસમાં વાદીને ચૂકવી આપવા ફરમાન કર્યું હતું. જો સાત દિવસમાં દંડની રકમ નહી ભરે તો કિંજલ દવેને એક સપ્તાહની સાદી કેદ ભોગવવા પણ કોર્ટે હુકમમાં ઠરાવ્યું હતું. મિૂળ વાદી રેડ રીબન એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિ તરફ્થી સિવિલ પ્રોસીજર કોડ-1908ની કલમ-151ની રૂલ-39(2-એ) અન્વયે અરજી કરી કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઇ વાદી કોપીરાઇટ હક્કો ધરાવે છે અને આ ગીતના શબ્દો, ગીત અને તેના ગાવા-વગાડવા પર તેમનો અધિકાર છે તેમછતાં કિંજલ દવેએ તેમના આ અધિકાર પર તરાપ મારી ગીત અને શબ્દોની ઉઠાંતરી કરી આ ગીત બજારમાં ફરતુ કર્યું છે, જેના કારણે વાદીને ભરપાઇ ના થઇ શકે તેવું નુકસાન થયું છે. આ કેસમાં ગત તા.1-10-2022ના રોજ સિવિલ કોર્ટે કિંજલ દવેને ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત કોઇપણ પ્લેટફોર્મ પર ગાવા પર સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. સિવિલ કોર્ટના આ હુકમ છતાં કિંજલ દવેએ અદાલતના હુકમની ધરાર અવગણના કરી આ વખતની નવરાત્રિમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિતના દેશોમાં લાઇવ પરફોર્મન્સ, યુ ટયુબ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આ ગીત ગાઇને કોર્ટનો તિરસ્કાર કર્યો છે.
પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે જણાવ્યું હતું કે, સિવિલ કોર્ટના હુકમ સામે કિંજલ દવે હાઇકોર્ટમાં પણ ગયા હતા પરંતુ હાઇકોર્ટે સિવિલ કોર્ટના હુકમમાં કાઇ દરમ્યાનગીરી કરી નથી, તેથી સિવિલ કોર્ટનો હુકમ આજે પણ અસ્તિત્વમાં છે. ખુદ કિંજલ દવેએ તેની ઉલટતપાસમાં કબૂલ્યું છે કે, તેણે 2023ની નવરાત્રિમાં આ ગીત 20થી 25 વખત ગાયુ છે. આમ, પ્રતિવાદીની કબૂલાત પરથી સ્પષ્ટ થાય છે કે, તેને કોર્ટના હુકમની જાણ હતી, છતાં ઇરાદાપૂર્વક 20થી 25 વખત આ ગીત ગાયુ છે. કિંજલ દવેએ એવો બચાવ કર્યો કે, તેણે આ ગીત ભારતની બહાર ગાયુ છે, તેથી કોર્ટનો પ્રતિબંધ તેવા કિસ્સામાં લાગુ ના પડે. કોર્ટે તેના આ બચાવને ફ્ગાવતાં પ્રતિવાદી તરફ્થી બિનશરતી માફી મંગાઇ હતી. કોર્ટે જણાવ્યું કે, માત્ર માફી માંગવી પૂરતી નથી પરંતુ જાણીબુઝીને કરાયેલા અદાલતી તિરસ્કારના આ કૃત્ય બદલ શિક્ષા થવી જરૂરી છે. આમ કહી કોર્ટે કિંજલદવેને એક લાખ રૂપિયાનો દંડ ફ્ટકાર્યો હતો અને તે સાત દિવસમાં વાદીને ચૂકવી આપવા ફરમાન કર્યું હતું.


