ગુજરાતી ઘરોમાં આખા વર્ષનું અનાજ ભરવાની કેટલાક ઘરોમાં પરંપરા હોય છે. માર્ચ મહિનાની આસપાસ લગભગ મસાલા અને ઘઉં, ચોખા તેમજ તુવેર સહિતની દાળ જેવા અનાજ લોકો આખા વર્ષ માટે સંગ્રહ કરતા હોય છે. આ અનાજની સાચવણી કરવા તેઓ ગરમીના આકરા તાપમાં તપાવ્યા બાદ સંગ્રહ કરે છે. આમ છતાં કયારેક વરસાદની સિઝનમાં અનાજમાં જીવાત અને કીટાણુ પડી જતા હોય છે.
વસ્તુઓની સાચવણી મહિલાઓ માટે સમસ્યા
વરસાદને કારણે વાતાવરણમાં ભેજ જોવા મળતા ઘરની દિવાલોમાં પણ ભીનાશની સમસ્યા જોવા મળે છે. જેના કારણે આ ઋતુમાં રસોડામાં રખાતી સંગ્રહિત કરવામાં આવેલ વસ્તુઓની સાચવણી કરવી મહિલાઓ માટે મોટી સમસ્યા બને છે. આજે મહિલાઓની આ સમસ્યાનો સરળ ઉકેલ આપીશું. અમે તમને રોજિંદા વપરાશમાં ઉપયોગમાં લેવાતી આ મહત્વની સામગ્રીનેli વરસાદી સિઝનમાં કેવી રીતે સાચવવી તેની ટિપ્સ આપીશું.
ખાંડ અને શાકભાજી: વરસાદમાં ભેજને કારણે ખાંડ જલદી બગડી જાય છે. તેથી, ખાંડનો યોગ્ય રીતે સંગ્રહ કરવો મહત્વપૂર્ણ છે. ખાંડને તાજી રાખવા માટે, તેને ભેજથી બચાવવી મહત્વપૂર્ણ છે. તેને સંગ્રહિત કરવા માટે કાચની બરણીનો ઉપયોગ કરો. આ ઋતુમાં શાકભાજીની જાળવણી વધુ મુશ્કેલ બને છે. હુંફાળા પાણીમાં એક ચમચી વિનેગર ઉમેરી શાકભાજી ધોયા બાદ તેને સૂકવી લો. પછી તેને ઠંડી જગ્યાએ સ્ટોર કરો.
બિસ્કીટ અને પેકેટ નાસ્તા: વરસાદી વાતારવરના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધે છે. એટલે આ દિવસોમાં બિસ્કિટ અને બજારના પેકેટમાં મળતા નાસ્તા ખુલતા સાથે જ નરમ થઈ જાય છે અને કયારેક બગડી પણ જાય છે. એટલે આ સિઝનમાં લાંબા સમય સુધી નાસ્તા સાચવવા એરટાઈટ કન્ટેનરમાં તેનો સંગ્રહ કરો. નાસ્તાની સાચવણી કરવા તમે આ ઉપરાંત તમે બજારમાં મળતી ઝિપ લોક બેગનો પણ ઉપયોગ કરી શકો છો.
કાચું મીઠું : આમ, તો કોઈપણ અનાજ ના બગડે માટે તેમાં મીઠાંના ગાંગડા મૂકવામાં આવે છે. પરંતુ ભોજનમાં લેવાતું કાચું મીઠું ભેજના કારણે બગડી જાય છે. જેના કારણે તે વધુ ચીકાશ પકડે છે. એટલે જ્યારે વાનગીમાં તેનો ઉપયોગ કરાય છે ત્યારે વધુ પડતું મીઠું પડતા ભોજનનો સ્વાદ બગડે છે. કાચા મીઠાંની સાચવણી માટે તમે તેને કાચની બરણીમાં સંગ્રહિત કરો. મીઠું ભીનું ન થાય તેની ખાતરી કરવા માટે તમે ચોખાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે મીઠાના ડબ્બામાં ચોખાનો પોટલો મૂકો.