ચોમાસામાં અનાજની સાચવણી કરવી એ એક મોટો પ્રશ્ન રહે છે. નોકરિયાત મહિલાઓ વ્યસ્તતાના લીધે મોટાભાગના કઠોળ અને દાળનો વર્ષભર માટે સંગ્રહ કરે છે. પરંતુ વરસાદી સિઝનમાં નોકરિયાત મહિલાઓ માટે સંગ્રહ કરેલા અનાજની જાળવણી વધુ પડકારરૂપ બને છે. આવી સ્થિતિમાં આખું વર્ષના સંગ્રહ કરેલા અનાજની સાચવણી કરવા તમે આ ઉપાય જરૂર અજમાવો.
આ કારણે બગડે છે અનાજ
કારણ કે ચોમાસામાં વરસાદના કારણે હવામાનમાં ભેજનું પ્રમાણ વધે છે. ભેજ વધતા ઘરની દિવાલોમાં પણ ઠંડક પ્રસરે છે. રસોડાની દિવોલોમાં ઠંડકના કારણે જીવજંતુ અને નાની જીવાતનું પ્રમાણ વધી જાય છે. બેદરકારીના કારણે જે ડબ્બામાં આ અનાજ ભર્યા હોય તે ખુલ્લા રહી જાય છે. જેના કારણે હવામાં લાગેલ ભેજ આ ડબ્બામાં પ્રવેશ છે અને અનાજમાં જીવાત પડે છે. આવા અનાજ ખાવાથી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. માટે આ ઘરેલુ ઉપાય દ્વારા તમે વર્ષ માટે સંગ્રહ કરેલા અનાજની સાચવણી કરી શકો છો.
સંગ્રહ કરેલા અનાજની કરો આ રીતે સાચવણી
સંગ્રહ કરેલા અનાજને તમે જીવાતથી બચાવવા દાદા-નાનીનો ઘરેલુ ઉપચાર વધુ અસરકારક સાબિત થશે. અનાજની સાચવણી કરવા સૌ પ્રથમ તેને હવાચુસ્ત ડબ્બા અથવા પાત્રમાં રાખો. જેથી ભેજ તેમાં પ્રવેશ ન કરે. તમે કાચના પાત્ર અથવા સ્ટીલના વાસણનો ઉપયોગ કરી શકો છો. જેમાં અનાજ રાખ્યા હોય તેમાં 6 થી 7 તમાલપત્ર, થોડા લીમડાના પાન અને લસણની કળી મૂકો અને દર બે મહિને બદલતા રહો.
જૂની પણ અસરકારક પદ્ધતિ
આ સિવાય તમે કાળા મરી અને મીઠાના ગાંગડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે 10 થી 15 આખા કાળા મરીને સુતરાઉ કાપડમાં બાંધી અનાજના તે પાત્રમાં રાખો તેમજ આખા મીઠાના ગાંગડાને પણ અનાજના પાત્રમાં મૂકી શકો છો. અનાજની સાચવણી કરવાની આ એક જૂની પણ અસરકારક પદ્ધતિ છે, જેને ઘણા લોકો હજુ પણ અપનાવે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )