કાલાવડમાં પતંગ ચગાવતી વેળાએ વીજ કરંટ લાગતા 17 વર્ષીય સગીરનું મોત
બેભાન હાલતમાં કાલાવડ બાદ રાજકોટ સિવિલમાં ખસેડતા દમ તોડી દીધો, પરિવારમાં શોકની લાગણી
અગ્ર ગુજરાત, રાજકોટ
કાલાવડ શહેરમાં પતંગ ચગાવતી વખતે વીજ કરંટ લાગવાની કરૂણ ઘટનામાં 17 વર્ષીય સગીરનું મોત નિપજ્યું હતું. બેભાન હાલતમાં પહેલા કાલાવડની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ સગીરને બચાવી શકાયો ન હતો. આ ઘટનાથી સમગ્ર પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ નફિસ અહેમદ ઈદ્રીશભાઈ સોલંકી (ઉંમર 17, રહે. કુંભનાથપરા, કાલાવડ) ગઈકાલે સાંજે આશરે 5:30 વાગ્યે ફુલકુડી નદી પાસે હતો. આ દરમિયાન નજીકના વીજ લાઈનના થાંભલામાંથી અચાનક કરંટ લાગતાં તે બેભાન બની ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક તેને કાલાવડની સરકારી હોસ્પિટલ ખસેડ્યો, જ્યાંથી હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર આર. કે. શર્મા દ્વારા તપાસ બાદ નફિસને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં કાલાવડ ટાઉન પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, નફિસ બે ભાઈ અને એક બહેનમાં વચેટ હતો. તેના પિતા ઈદ્રીશભાઈ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નફિસ ઘર પાસે પતંગ ઉડાડતો હતો ત્યારે કોઈ કારણસર વીજ થાંભલો અડી જતાં તેને કરંટ લાગ્યો હોવાનું અનુમાન છે. જોકે, તે સમયે સગીર થાંભલા પર ચડ્યો હતો કે જમીન પર હતો તે બાબતે પરિવારજનો સ્પષ્ટ માહિતી આપી શક્યા નથી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માતજન્ય આ બનાવથી વિસ્તારમાં પણ શોકની લાગણી ફેલાઈ છે.


