- દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી
- ઘરે જ બનાવો દિવાળી માટે સ્વાદિષ્ટ વાનગી
- કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ ઘૂઘરાની વાનગી
દિવાળીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમે તમારા માટે દિવાળીની અવનવી વાનગીઓ લઇને આવ્યા છીએ. ઘૂઘરા એ એવી વાનગી છે જે દરેક લોકોને ભાવે છે. ખાસ કરીને ઘૂઘરા દિવાળીમાં બનાવવામાં આવતી વાનગી છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ ઘૂઘરાની વાનગી.
જરૂરિયાત સામગ્રી
250 ગ્રામ – ઝીણો રવો
250 ગ્રામ – ઘી
200 ગ્રામ – ખાંડ
100 ગ્રામ – માવો
100 ગ્રામ – કાજૂના ટૂકડા
100 ગ્રામ – બદામના ટૂકડા
100 ગ્રામ – કિસમિસ
10 ગ્રામ – કોપરાનું છીણ
1/2 ચમચી – ઇલાયચી
350 ગ્રામ – મેંદો
સ્વાદાનુસાર – મીઠું
તળવા માટે – તેલ
ઘુઘરા બનાવવાની રીત
સૌપ્રથમ એક કડાઈમાં રવો અને ઘી મિક્સ કરીને શેકો. હવે રવાને સતત હલાવતા રહીને આછું ગુલાબી થાય ત્યાં સુધી શેકો. બરાબર શેકાઈ જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારીને એક બાજુ ઠડું કરવા મૂકી દો. હવે તેમાં ઉમેરવા માટે કાજુ, બદામ, કિસમિસ, કોપરાનું છીણ બધાને ભેળવીને રાખી લો. જો ઘૂઘરામાં માવો નાખવા માગતા હોવ તો માવાને પણ એકદમ ગુલાબી થઈને તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી શેકી લો. આ બધું શેકેલો રવો સાવ ઠંડો થાય પછી તેમાં ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લો. સૌથી છેલ્લે તેમાં ઇલાયચી પાવડર મિક્સ લો. હવે મેંદામાં સહેજ મીઠું, તેલ અને પાણી નાખીને લોટ બાંધી લો. અને તેના નાના લુઆ કરીને સહેજ જાડી પુરી વણીને તેમાં વચ્ચે રવાનું પૂરણ ભરીને વાળી લો . તેની કિનારીને યોગ્ય રીતે ચોંટાડીને તેને ઘુઘરાના આકારમાં બંધ કરી લો. આ રીતે બધા જ ઘૂઘરા બનાવીને તેને તેલમાં આછા ગુલાબી થાય ત્યાં સુધી ધીમી આંચે તળી લો.