- સુરતમાં જાતિગત સમીકરણ સાથે મોટી રણનીતિ
- વલસાડમાં ધવલ પટેલની સૌથી સારી પકડ રહી છે
- 4 બેઠકોના ઉમેદવાર જાહેર કરવાના બાકી
ગુજરાતમાં ભાજપે 26માંથી 22 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે 12 સાંસદોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે 10 બેઠકો પરથી નવા ઉમેદવાર જાહેર કરાયા છે. 10 વર્તમાન સાંસદોને ટિકિટ કપાઇ છે. 4 બેઠકોના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ભાજપની આ બીજી યાદીમાં મોટા ફેરફાર છે સામે આવ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં સુરત બેઠક પર સાંસદ દર્શનાબેન જરદોશની ટિકિટ કપાઈ છે. ત્યારે અન્ય ક્યાં શું ફેરફાર જોવા મળ્યા તે જાણીએ.
છોટાઉદેપુરના ઉમેદવાર
છોટાઉદેપુરના જશુભાઈ રાઠવા ઉપપ્રમુખ અ.જ.જા મોરચા ભાજપા ગુજરાત પ્રદેશ, ન્યુ ગુજરાત પેટર્ન આયોજન સમિતિ છોટાઉદેપુર, સક્રિય સભ્ય ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની કામગીરી કરી રહ્યા હતા. છેલ્લા 27 વર્ષની એક સક્રિય કામગીરી દરમિયાન જશુભાઈ રાઠવાને પક્ષ તરફ્થી છોટાઉદેપુર તાલુકા યુવા મોરચા કોષાધ્યક્ષ, તાલુકા મહામંત્રી, છોટાઉદેપુર તાલુકા પ્રમુખ, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ, પ્રદેશ ST મોરચા ઉપપ્રમુખ, ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ ડિરેકટર, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સરકાર નિયુક્તસભ્ય, તાલુકા પંચાયત સભ્ય, 2017 વિધાનસભા ભાજપ ઉમેદવાર તરીકે ફરજ નિભાવી હતી. તેમને BA સુધી અભ્યાસ કર્યો છે. ભાજપે તેમને 21-છોટાઉદેપુર(ST) લોકસભા બેઠક પર ટિકિટ આપી છે.
રંજનબેન ભટ્ટ રિપીટ કરવામાં આવ્યા
વડોદરા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પર અગાઉ વડાપ્રધાન મોદી પણ ચૂંટણી લડ્યા હતા અને તેમણે પોતાની બેઠક ખાલી કરીને વારાણસીની બેઠક જાળવી રાખતા પેટા ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીમાં ભાજપે રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી. રંજન બેન ભટ્ટ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના તત્કાલિન શહેર પ્રમુખ નરેન્દ્ર રાવત સામે જંગી બહુમતીથી ચૂંટાયા હતા. 57 વર્ષીય રંજનબેન ભટ્ટનો અભ્યાસ ઇન્ટર હાયર સેકન્ડરી સુધીનો ડૉ. રંજનબેન ભટ્ટ વડોદરા શહેરના ડેપ્યુટી મેયર હતા. 2014માં પહેલી વાર સાંસદ તરીકો ચૂંટાયેલા રંજનબેન ભટ્ટ ઉદ્યોગની સંસદીય કમિટિના સભ્ય રહ્યાં છે. 2014ની ચૂંટણી સમયે રંજનબેન ભટ્ટ અને તેમના પતિ ધનંજય ભટ્ટની મળીને કુલ મિલકત રૂપિયા 66 લાખ હતી.
હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર
અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. જેમને 2019માં પરેશ રાવલના સ્થાને ટિકિટ આપવામાં આવી હતી. નોંધનીય છેકે, તેઓ અમરાઈવાડીથી પૂર્વ ધારાસભ્ય પણ છે. તેમજ તેમની સ્થાનિક નેતા તરીકે મજબૂત પકડ રહી છે. આ ઉપરાંત 64 વર્ષીય હસમુખભાઈ પટેલે ડિપ્લોમાં અભ્યાસ કર્યો છે. પાટીદાર મતદારોમાં તેમની સારી રીતે ફાયદો અપાવી શકે છે અને બિન વિવાદાસ્પદ તેમની કામગીરી રહી છે.
સાબરકાંઠામાં નવા ઉમેદવારને તક
ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠા લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડને કાપીને નવા ચહેરાને તક આપી છે. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા મેઘરજ તાલુકાના હીરાટીંબા ગામના ભીખાજી ઠાકોરને પસંદ કર્યા છે. ભીખાજી ઠાકોર ધોરણ 10 પાસ છે. તેઓ 56 વર્ષની વય ધરાવે છે. ભીખાજી ઠાકોર (ડામોર) હાલમાં અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રી પદ ધરાવે છે અને સાથે જ સાબરકાંઠા કો ઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન પદ પણ ધરાવે છે. ભીખાજી ઠાકોર અગાઉ જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડી ચૂક્યા છે. વર્ષ 2000, 2005 અને 2015માં સાબરકાંઠા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે જીત્યા હતા. આ દરમિયાન તેઓ એક વાર જિલ્લા પંચાયતમાં આરોગ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પદ પર રહ્યા હતા. જ્યારે 2022 થી મેઘરજ એપીએમસીના ચેરમેન તરીકે કાર્યરત છે. તેમજ હાલમાં સાબરકાંઠા સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે પણ પદ પર છે. વર્તમાન સાંસદ દિપસિંહ રાઠોડ 2 ટર્મથી ભાજપના સાંસદ તરીકે રહ્યા છે, જેમના સ્થાને ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે.
વલસાડથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ
ધવલ પટેલ વલસાડ જિલ્લા પંચાયતની ન્યાય સમિતિના પૂર્વ અધ્યક્ષ છે અને હાલમાં જિલ્લા પંચાયતના સભ્ય છે. હાલમાં ધવલ પટેલ રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના હોદ્દેદારનો પદભાર સંભાળે છે. મહત્વનું છે કે તેઓ મૂળ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઝરી ગામના અને વલસાડ સ્થાયી થયેલા ધવલ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં આદિજાતિ નેતા તરીકે સફળ કામગીરી કરી રહ્યા છે. ઢોડીયા પટેલ ,કુકણા પટેલ, દેસાઈ, કોળી પટેલ અને હળપતિ જાતીય સમીકરણો ધરાવતી લોકસભા બેઠક પર ઢોળિયા પટેલ સમાજના ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે.
સુરતમાં મૂળ સુરતીને ટિકિટ
સુરતથી મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે. સુરત લોકસભા બેઠક હંમેશા મૂળ સુરતીને આપવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. તેઓ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કાળથી તેની જોડે સતત જોડાયેલા છે. મુકેશ દલાલ ભાજપમાં હાલ શહેર મહામંત્રીના હોદ્દા ઉપર છે. તેઓ અલગ અલગ સંગઠનના હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. ભૂતકાળમાં તેઓએ સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખૂબ જ સારી રીતે કામ કર્યું હતું. મુકેશ દલાલ ખૂબ જ અભ્યાસુ હોવાથી તેઓ સ્થાયી સમિતિના ચેરમેન તરીકે ખૂબ જ સારી રીતે ટર્મ પૂરી કરવામાં સફળ રહ્યા હતા. તેઓ ધ સુરત પીપલ્સ બેંકના ચેરમેન પણ રહી ચૂક્યા છે. સુરત ક્રિકેટ બોર્ડમાં પણ તેઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
ભાવનગરમાં નિમુબેન બાંભણીયાની પસંદગી
ભાવનગર લોકસભા બેઠકમાં ભારતીબેન શિયાળના સ્થાન પર નિમુબેન બાંભણીયાની પસંદગી કરવામાં આવી છે. નિમુબેન બાંભણીયા BSC B.ED સુધી નો અભ્યાસ રહ્યો છે. તળપદા કોળી OBC સમાજ માંથી તેઓ આવે છે. 2005 થી 2020 સુધી ત્રણ ટર્મ નગરસેવીકા રહી ચૂક્યા છે. 2009 થી 2010 અને 2015 થી 2018 સુધી તેઓ ભાવનગર મનપામાં મેયર તરીકે રહ્યા છે. આ ઉપરાંત હાલ તેઓ જૂનાગઢ શહેર માં પ્રભારી તરીકે જોડાયેલા છે. નિમુબેન બાંભણીયા 2022 થી અખિલ ભારતીય કોળી સમાજ માં રાષ્ટ્રીય મહિલા મોરચા માં મહામંત્રી તરીકે જોડાયેલા છે.


