- CAA નું ફૂલ ફોર્મ Citizenship Amendment Act
- આ નિયમને ભારતીય સંસદમાં 2019માં 11 ડિસેમ્બરે પસાર કરાયો હતો
- રાષ્ટ્રપતિએ 12 ડિસેમ્બર 2019ના રોજ આ નિયમને મંજૂરી આપી હતી
ભારતીય નાગરિકતા (સંશોધન) અધિનિયમને પાંચ વર્ષ પહેલા મંજૂરી આપવામાં આવી હતી. જોકે હજુ સુધી આનો અમલને લઇ અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. CAAને લઈને દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. જોકે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે જોતા ભાજપે CAAને લઇ એક્શનમાં આવી ગઇ છે. રામ મંદિર બાદ હવે CAAને લઇ PM મોદી મોટી જાહેરાત કરશે.
CAAનું પૂર્ણ સ્વરૂપ નાગરિકતા (સુધારો) કાયદો છે. નાગરિકતા સુધારો અધિનિયમ, 2019 એ એક કાયદો છે જેના હેઠળ ડિસેમ્બર 2014 પહેલા ત્રણ પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં આવેલા છ ધાર્મિક લઘુમતીઓ (હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી)ને નાગરિકતા આપવામાં આવશે. આનાથી ભારતમાં લાંબા સમયથી આશરો લઈ રહેલા લોકોને મોટી રાહત મળશે.
શું છે CAA?
- CAA નું ફૂલ ફોર્મ Citizenship Amendment Act છે
- આ નિયમને ભારતીય સંસદમાં 2019માં 11 ડિસેમ્બરે પસાર કરાયો હતો
- આ સમયે નિયમના પક્ષમાં 125 વોટ અને વિરોધમાં 105 વોટ પડ્યા હતા
- રાષ્ટ્રપતિએ 12 ડિસેમ્બર 2019ના રોજ આ નિયમને મંજૂરી આપી હતી
- ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા લોકોને મળશે નાગિરકતા
- હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈને મળશે નાગરિકતા
- મુસલમાનોને નાગરિકતા ન આપવાના કારણે કરી રહ્યા છે વિરોધ
- નાગરિકતાની અરજી કરવા માટે જે વર્ષમાં ભારત આવ્યા હોય તે જણાવવાનું રહેશે, કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર રહેશે નહીં
નિયમો હેઠળ કોને મળશે નાગરિકતા?
નવા CAA કાયદા હેઠળ, મોદી સરકાર 31 ડિસેમ્બર, 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુઓ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ – અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમ સ્થળાંતરીઓને ભારતીય નાગરિકત્વ આપવાનું શરૂ કરશે. નોંધનીય છે કે CAA ડિસેમ્બર 2019 માં પસાર કરવામાં આવ્યો હતો અને તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી. જો કે, કાયદો હજુ અમલમાં આવ્યો નથી અને તેના અમલ માટે નિયમો જરૂરી છે. ગૃહ મંત્રાલયે અરજદારોની સુવિધા માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે અને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, અરજદારોએ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ વિના ભારત ક્યા વર્ષમાં આવ્યા હતા તેની જાહેરાત કરવી પડશે. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં. કાયદા અનુસાર, ત્રણ પડોશી દેશોના બિનદસ્તાવેજીકૃત લઘુમતીઓને CAA હેઠળ લાભ મળશે.
અરજી કરવાની પ્રક્રિયા શું હશે?
સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે. આ માટે એક ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. અરજદારોએ તે વર્ષ જણાવવાનું રહેશે કે જેમાં તેઓ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં. નાગરિકતા સંબંધિત આવા તમામ પેન્ડિંગ કેસ ઓનલાઈન કન્વર્ટ કરવામાં આવશે. પાત્ર વિસ્થાપિત લોકોએ પોર્ટલ પર જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે બાદ ગૃહ મંત્રાલય તપાસ કરશે અને નાગરિકતા આપશે.
શા માટે વિરોધ છે?
- વિપક્ષનું કહેવું છે કે,આ કાયદા દ્વારા ખાસ કરીને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેમને જાણીજોઈને ગેરકાયદે જાહેર કરવામાં આવી શકે છે. બાકીના લોકો માન્ય દસ્તાવેજો વિના પણ સ્થાન મેળવી શકે છે. વિપક્ષની દલીલ છે કે આ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે જે સમાનતાના અધિકારની વાત કરે છે.
- જોકે ઉત્તરપૂર્વનું કારણ અલગ છે. તેમનું માનવું છે કે, જો બાંગ્લાદેશના લઘુમતીઓને નાગરિકતા મળશે તો તેમના રાજ્યના સંસાધનોનું વિભાજન થઈ જશે. એક મોટો વર્ગ એવું પણ કહે છે કે ઉત્તર-પૂર્વના મૂળ લોકોને ઓળખ અને આજીવિકાના સંકટનો સામનો કરવો પડશે.
- ઉત્તર-પૂર્વના મૂળ રહેવાસીઓ એટલે કે ત્યાં સ્થાયી થયેલા આદિવાસી લોકો CAAની વિરુદ્ધ છે. આ રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.
- આ સાત રાજ્યોના મૂળ લોકો સજાતીય છે. તેમનો ખોરાક અને સંસ્કૃતિ ઘણી હદ સુધી સમાન છે. પરંતુ કેટલાક દાયકાઓથી અન્ય દેશોમાંથી પણ લઘુમતી સમુદાયો અહીં આવીને સ્થાયી થવા લાગ્યા. ખાસ કરીને બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી લઘુમતી બંગાળીઓ અહીં આવવા લાગ્યા.


