- ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ પામ્યા અર્નોન
- આર્નોન ઇઝરાયલના ડેવિડ ગામનો રહેવાસી હતો
- ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ આપી અર્નોનને સલામી
ઈઝરાયેલ આર્મીના ખતરનાક બચાવ મિશન આર્નોનની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. હમાસની કેદમાંથી 4 બંધકોને છોડાવવા માટે હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનનું નામ “સીડ્સ ઓફ સમર” રાખવામાં આવ્યું હતું, જે બાદમાં ઓપરેશન આર્નોનના રૂપમાં ઓળખાયું. વાસ્તવમાં આર્નોન ઝામોરા IDF (ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ) કમાન્ડરનું નામ છે. સેન્ટ્રલ ગાઝામાં આ જોખમી ઓપરેશનનું નેતૃત્વ આર્નોન ઝામોરા કરી રહ્યા હતા.
બંધક બચાવ કામગીરીમાં થયું અર્નોનનું નિધન
ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે શનિવારે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું, “દરેક બચાવ કામગીરી પાછળ ઇઝરાયેલના પુરૂષો અને મહિલાઓ છે, જેઓ પોતાનો જીવ જોખમમાં મૂકે છે. “અમને એ જાહેર કરતાં ખૂબ જ દુઃખ થાય છે કે યામામ (નેશનલ પોલીસ કાઉન્ટર-ટેરરિઝમ યુનિટ)ના કમાન્ડર અને ઓપરેશન્સ ચીફ ઇન્સ્પેક્ટર આર્નોન ઝામોરા બંધક બચાવ કામગીરી દરમિયાન ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ પામ્યા છે.” વિદેશ મંત્રાલયે આર્નોનને સાચા હીરો ગણાવ્યા છે.
આર્નોન ઝામોરા કોણ હતા?
મળતી માહિતિ અનુસાર, 36 વર્ષીય આર્નોન ઇઝરાયલના શહેર સેડેરોટ નજીકના ડેવિડ ગામનો રહેવાસી હતો. તેમના પરિવારમાં તેમની પત્ની મિચલ, બે બાળકો અને માતા-પિતા રુવેન અને રૂતિ છે. ગયા વર્ષે 7 ઓક્ટોબરના રોજ, જ્યારે તે યાદ મોર્દેચાઈની લડાઈમાં લડી રહ્યો હતો, ત્યારે તેણે હમાસના ઘણા આતંકવાદીઓને દેશમાં પ્રવેશતા સફળતાપૂર્વક અટકાવ્યા હતા. બાદમાં નાહલ ઓઝ બેઝ અને બેરી માટે લડાઈમાં સામેલ થયો હતો.
રક્ષા મંત્રીએ શહીદીને સલામ કરી
ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે ટ્વિટર પર ઝામોરાને યાદ કરતાં લખ્યું, “હું યામામ યુનિટના કમાન્ડર, ચીફ ઇન્સ્પેક્ટર આર્નોન ઝામોરાને સલામ કરું છું, જેમણે ગાઝામાં હમાસ દ્વારા રાખવામાં આવેલા 4 બંધકોને બચાવવા માટે એક સાહસિક ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું જ્યારે તેઓ શહીદ થયા હતા. તે એક વીરની જેમ જીવ્યા અને શહીદ થયા. મારી સંવેદના તેમના પરિવાર અને સૈનિકો સાથે છે. તેમની સ્મૃતિ આશીર્વાદ બની રહે.” ચાર બંધકોને મુક્ત કરાવનાર આ ઓપરેશનને પાછળથી મુખ્ય નિરીક્ષકના નામ પરથી ‘ઓપરેશન આર્નોન’ નામ આપવામાં આવ્યું હતું.


