- હે યમરાજ, મેં ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી. મેં તો છેલ્લે નદીકિનારે બેસીને ભીખ માગતા એક ગરીબને સો રૂપિયાનું દાન પણ આપ્યું હતું તો હું નર્કમાં કેમ જાઉં?
કુપાત્ર એટલે દુષ્ટ, લાયકાત વગરની વ્યક્તિ. તેને જ્ઞાન-ઉપદેશ કે દાન આપનાર માટે જે તે દુ:ખરૂપ બને છે. આ વાતને એક દૃષ્ટાંત પરથી સમજીએ.
એક ગામની ભાગોળમાં મોટાં મોટાં વૃક્ષો હતાં. તેમાં એક વૃક્ષ ઉપર એક સુગરીએ સુંદર માળો બનાવ્યો હતો. હવે એ જ વૃક્ષ પર એક વાનર પણ રહેતો હતો. ચોમાસાની ઋતુ શરૂ થઈ. ધોધમાર વરસાદ પડવા લાગ્યો. વરસાદની હેલી થઈ એટલે સુગરી તો માળામાં બેસી ગઈ. તેમાં તેનાં ઈંડાં પણ હતાં. તેને તો વરસાદ નડતો ન હતો, પણ પેલો વાનર ઠંડીથી ધ્રૂજવા લાગ્યો.
વરસાદ બંધ થયો એટલે સુગરી બહાર આવી અને પેલા વાનરને કહે, `તમે પણ અમારી જેમ ઘર બનાવતા હો તો ઠંડી-ગરમી અને વરસાદથી રક્ષણ મળે.’ આ સાંભળી પેલો વાનર એકદમ ઉશ્કેરાઈ ગયો અને કહેવા લાગ્યો, `સુગરી, તું આવડી નાનીઅમથી મુઠ્ઠીમાં સમાય એવડી થઈ મને મોટાને ઉપદેશ આપે છે?’ એમ કહી હૂપ કરીને કૂદીને સુગરીનો માળો તોડી નીચે ફેંકી દીધો. સુગરીનાં ઈંડાં ફૂટી ગયાં. સુગરી વિલાપ કરવા લાગી. માટે કુપાત્રને ઉપદેશ આપવો એ ખતરારૂપ જ બને છે.
બીજા દૃષ્ટાંતમાં કુપાત્રને દાન આપવું કેવી રીતે ખતરારૂપ બને છે તે જાણીએ. એક શેઠ હતા તે નદીકિનારે ગયા. ત્યાં તેમને એક કંગાળ માણસે કહ્યું, `શેઠ, દયા કરી કંઈ આપો.’ શેઠને તે ગરીબ વ્યક્તિને જોઈને દયા આવી. તેથી તેમણે તે વ્યક્તિને સો રૂપિયા આપ્યા. શેઠ તો જતા રહ્યા, પણ પેલા માણસે શેઠના રૂપિયાની માછલાં પકડવાની જાળ ખરીદીને માછલાં પકડીને મારવા લાગ્યો.
શેઠને અંતકાળ આવ્યો. મૃત્યુ બાદ શેઠને યમરાજે કહ્યું કે, `તમે કંઈ દાન-પુણ્ય કર્યું નથી એટલે તમને નર્કમાં વાસ મળશે.’
આ સાંભળી શેઠે કહ્યું, `હે યમરાજ, મેં ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી. મેં તો છેલ્લે નદીકિનારે બેસીને ભીખ માગતા એક ગરીબને સો રૂપિયાનું દાન પણ આપ્યું હતું તો હું નર્કમાં કેમ જાઉં?’
આ સાંભળી યમરાજે કહ્યું, `શેઠ, તમે દાન ચોક્કસ આપ્યું છે, પરંતુ તે વ્યર્થ ગયું છે. તેનું પુણ્ય મળવાને બદલે તમે પાપ કમાયા છો, કારણ કે તમે કુપાત્રને દાન આપ્યું છે. તેણે તમારા રૂપિયાથી માછલાં પકડવાની જાળ ખરીદી અને માછલાં મારવાનું પાપ કર્યું છે. તેના પાપના છાંટા તમારા પર પણ પડ્યા છે, માટે તમને નર્કમાં વાસ મળે છે.’
છેવટે શેઠે દાન કર્યું હોવા છતાં પણ નર્કમાં વાસ કરવો પડ્યો, તેથી હંમેશાં દાન કરતા પહેલાં પાત્ર જોવું જોઈએ. ત્યારબાદ દાન કરવું જોઈએ.
કોઈએ ઠીક જ કહ્યું છે કે, `જ્ઞાન સમેત મરવું સારું, પણ કુપાત્રને ક્યારેય જ્ઞાન-ઉપદેશ કે દાન આપવાં નહીં.’ કુપાત્રને દાન આપવાથી આપણા જ કલ્યાણના માર્ગમાં અંતરાયો આવે છે.