શોક, અનિશ્ચિતતા, બિલકુલ એકલતાની લાગણી જેવાં દુ:ખ છે. મૃત્યુનું પણ દુ:ખ છે, પોતાની ઈચ્છાઓ પૂરી ન કરી શકવાનું દુ:ખ, સર્વસ્વીકૃત ન બનવાનું દુ:ખ, પ્રેમ કરીને સામા પક્ષ તરફથી પ્રેમ ન મળવાનું દુ:ખ. દુ:ખનાં અસંખ્ય સ્વરૂપો છે અને મને એમ લાગે છે કે દુ:ખને સમજ્યા વગર સંઘર્ષનો કોઈ અંત નથી, આપત્તિનો, ભ્રષ્ટાચાર અને સડાની વેદનાનો કોઈ અંત નથી.
જાણીતું દુ:ખ હોય તેમ જે દુ:ખને કોઈ આધાર ન હોય કે અકારણ આવી પડે એવું અજાણ્યું દુ:ખ પણ હોય છે. મોટાભાગના લોકો જાણીતા દુ:ખને સમજે છે અને આપણે એ પણ જાણીએ છીએ કે તેના ઉપાય શા છે. આપણે તેનાથી ધાર્મિક માન્યતા દ્વારા ભાગી છૂટીએ છીએ અથવા આપણે તે યોગ્ય છે એવું ઠસાવીએ છીએ અથવા કોઈ પીણું લઈએ છીએ અથવા તો પછી આપણે બૌદ્ધિક કે શારીરિક કોઈ ઈલાજ કરીએ છીએ. કોઈક વાર આપણે શબ્દો દ્વારા કે મનોરંજન દ્વારા, ઉપરછલ્લા આનંદ-પ્રમોદ દ્વારા ખુદને મૂંઝવી દઈએ છીએ. આપણે આ બધું જ કરીએ છીએ, છતાં આપણે જાણીતા કે પરિચિત દુ:ખથી બચી શકતા નથી.
ત્યારબાદ અજાણ્યું દુ:ખ પણ છે કે જે આપણને અનેક સૈકાઓથી વારસામાં મળેલું છે. માણસ આ અસાધારણ ગણાતા દુ:ખથી, શોકથી અથવા આપત્તિથી કેમ કરીને બહાર અવાય તે હંમેશાં શોધતો રહ્યો છે. ઉપલક દૃષ્ટિએ આપણે ખુશ હોઈએ અને આપણી પાસે જે ઈચ્છીએ તે હોય તેમ છતાં આપણી ભીતર, ઊંડે અચેતન મનમાં દુ:ખનાં મૂળિયાં ધરબાયેલાં હોય જ છે. આમ, જ્યારે આપણે દુ:ખનો અંત લાવવાની વાત કરીએ ત્યારે આપણે સઘળાં દુ:ખોનો અંત લાવવાની વાત કરીએ છીએ. બંને પ્રકારનાં દુ:ખનો, જાણીતાં અને અજાણ્યાં દુ:ખનો અંત લાવવાની વાત કરીએ છીએ.
દુ:ખનો અંત લાવવા માટે આપણી પાસે ખૂબ જ સ્પષ્ટ અને સરળ મન હોવું જરૂરી છે. સરળતા એ માત્ર ખ્યાલ નથી. સરળ થવા માટે અગાધ પ્રમાણમાં પ્રજ્ઞા અને સંવેદનશીલતાની જરૂર પડે છે.
દુભાયેલી લાગણીઓ
બીજાને મુશ્કેલીમાં મૂક્યા વગર આપણે આપણું કામ કેવી રીતે કરી શકીએ? શું તમારે આ જ જાણવું છે? મને ડર લાગે છે કે તો પછી આપણે કોઈ કામ કરશું જ નહીં. જો તમે પૂર્ણપણે જીવો તો તમારા કામથી કદાચ બીજાને મુશ્કેલી પડે તેવું બને, પરંતુ વધારે મહત્ત્વનું શું છે? સાચું શું છે તે શોધી કાઢવું એ કે બીજાને મુશ્કેલી ન પહોંચાડવી એ? આ વાત એટલી સરળ છે કે તેનો જવાબ આપવાની ભાગ્યે જ જરૂર પડે. તમે શા માટે બીજા લોકોની લાગણીનો કે તેમના દૃષ્ટિકોણનો આદર કરવા ઈચ્છો છો? શું તમને તમારી પોતાની લાગણી દુભાવાનો કે તમારો અભિપ્રાય બદલાઈ જવાનો ડર લાગે છે? જો બીજા લોકોનાં મંતવ્યો તમારાં મંતવ્યોથી જુદાં હોય તો તે સાચાં છે કે નહીં તે તમે તેમને પ્રશ્ન કરીને, તેમનો સંપર્ક કરીને શોધી શકો છો અને જો તમને એ મંતવ્યો અને લાગણીઓ સાચાં ન લાગે તો, જે લોકો તેને સાચાં માને છે તેમને તમારી એ શોધ વ્યથિત કરી શકે છે. તો તમારે શું કરવું જોઈએ? શું તમારે તેમની વાત માની લેવી જોઈએ, કે પછી તમારા મિત્રોની લાગણી ન દુભાય તે માટે તમારે તેમની સાથે સમાધાન કરવું જોઈએ?