- જન્મદિવસે સદી નોંધાવનારો ત્રીજો ભારતીય ખેલાડી
- જન્મદિવસે જ સદી નોંધાવીને કોહલી એક આગવા ક્લબમાં સામેલ
- કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં 49મી ઓવરમાં જ 49મી સદી પૂરી કરી હતી
પોતાના જન્મદિવસે જ સદી નોંધાવીને કોહલી એક આગવા ક્લબમાં સામેલ થયો છે. ભારતમાં તે ત્રીજો ખેલાડી બન્યો છે જેણે જન્મદિવસે જ સદી ફટકારી હોય. કોહલી અગાઉ વિનોદ કાંબલી અને સચિન તેંડુલકર આ સિદ્ધિ નોંધાવી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેના પહેલાં આવી સિદ્ધિ નોંધાવનારા ખેલાડીઓમાં ટોમ લાથમ, રોસ ટેલર, સનથ જયસૂર્યા, મિચેલ માર્શ, સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીનો સમાવેશ થાય છે.
ભારતના રન મશીન વિરાટ કોહલીએ રવિવારે દક્ષિણ આફ્રિકાની ટીમ સામે અણનમ સદી ફટકારી પોતાની વન-ડે કેરિયરની 49મી સદી પૂરી કરી હતી. તેણે કોલકાતાના ઇડન ગાર્ડન પર એક યાદગાર ઇનિંગ દર્શાવી હતી. કોહલીએ રવિવારે પોતાના 35મા જન્મદિવસ પર જ સદી ફટકારીને સૌથી વધારે વન-ડે સદી ફટકારવાના સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. સચિન પોતાના વન-ડે કેરિયરમાં કુલ 463 મેચ રમ્યો હતો. આ દરમિયાન તેણે 452 ઈનિંગમાં 18,426 રન બનાવ્યા હતા. તેની સરેરાશ 44.83 રનની રહી હતી. તેંડુલકરે કુલ 49 સદી અને 96 અર્ધ સદી ફટકારી હતી. વિરાટે 277મી ઈનિંગમાં જ આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં 49મી ઓવરમાં જ 49મી સદી પૂરી કરી હતી.
તેંડુલકરે 138 બોલમાં 49મી સદી કરી હતી
તેંડુલકરે એશિયા કપ 2012માં તેની 49મી સદી ફટકારી હતી. તેણે પણ સદી કરવા માટે 100 કરતાં વધારે બોલ લીધા હતાં. વિરાટ કોહલીએ પણ રવિવારે કોલકાતામાં 49મી સદી કરવા માટે 100 કરતાં વધારે બોલ લીધા હતાં. જો કે તેમ છતાં તેણે સચિન કરતાં ઓછા બોલનો સામનો કર્યો હતો.
ટોચના પાંચ સદીવીરોમાં ત્રણ ભારતીય ખેલાડીઓ
તેંડુલકર અને કોહલી પછી સૌથી વધારે વન-ડે સદી ફટકારનારો ખેલાડી અન્ય કોઇ નહીં પણ ભારતીય કેપ્ટન રોહિત શર્મા છે. તેણે 259 મેચની 251 ઈનિંગમાં 31 સદી ફટકારી છે. તેના પછી ચોથા ક્રમે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 30 સદી અને પાંચમા ક્રમે શ્રીલંકાના સનથ જયસૂર્યાએ 28 સદી ફટકારી છે.