સ્ટાર બેટસમેન વિરાટ કોહલીને યો-યો ટેસ્ટને લાગૂ કરવીને ભારતીય ક્રિકેટ ટીમમાં એક ફિટનેસનું એક નવું લેવલ ઉભું કર્યું છે.
તેમ જણાવીને તેના બાળપણના કોચ તથા દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા રાજકુમાર શર્માએ જણાવ્યું હતું કે એક સમયે આપણા ખેલાડીઓ અન્ય ટીમો કરતાં ઘણી ઉતરતી કક્ષાની ફિટનેસ ધરાવતા હતા પરંતુ આજે કોહલીના કારણે વિશ્વની બેસ્ટ ફિટેસ્ટ ટીમ બની છે. અમદાવાદમાં ગુજરાત ખાતેના પ્રથમ હાયપર બેરિક ઓક્સિજન થેરાપી સેન્ટરના ઓપનિંગ માટે આવેલા રાજકુમારે ઉમેર્યું હતું કે કેટલાક સમય પહેલાં કોહલીની નબળાં ફોર્મની ચોમેરથી ટીકાઓ થતી હતી પરંતુ તેણે કોઇ પણ ભારતીય ખેલાડી કરતાં ટીમને સર્વાધિક મેચો જીતાડી છે.
રાજકુમારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી કોહલી ઓફ સ્ટમ્પની બહાર જતાં બોલ ઉપર સતત આઉટ થતો હતો અને તે અમારા બંને માટે ચિંતાનો વિષય હતો. જોકે બોલર્સને પણ ક્રેડિટ આપવી જોઇએ. કોહલી જ્યારે પણ બેટિંગમાં આવે છે ત્યારે લોકો તે સદી ફટકારશે તેવી આશા રાખે છે. 40 કે 50 રનની આસપાસમાં આઉટ થાય તો લોકો તેને આઉટ ઓફ ફોર્મ છે તેવું કહેવાનું શરૂ કરી દે છે. ઓફ સ્ટમ્પની નબળાઇ અંગે અમે મહેનત કરી છે.
સાઉથ ગુજરાતમાં ટ્રાઇબલ લીગના સંદર્ભમાં રાજકુમારે જણાવ્યું હતું કે આ વિસ્તારના યુવાઓમાં પણ ક્રિકેટનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેઓ શારીરીક રીતે મજબૂત છે પરંતુ તેમની પાસે વિશેષ સ્કીલ નથી. તેમને યોગ્ય ટ્રેનિંગ અપાય તો સારા ક્રિકેટર્સ તૈયાર થઇ શકે છે.


