આઈપીએલની અંતિમ ઓવરના બીજા બોલ પર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સૌથી અનુભવી ખેલાડી વિરાટ કોહલીની આંખોમાં ખુશીના આસું દેખાયા. આ વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટ્રોફી જીતવામાં સફળ રહી છે. આ જીત મેળવ્યા પછી વિરાટે IPL ચેમ્પિયનશીપ બાબતે એક મોટું નિવેદન આપ્યું છે.
સપનું થયું સાકાર
ભારતીય ક્રિકેટ ટીમ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ધમાકેદાર ખેલાડી એવા વિરાટ કોહલીએ આ વર્ષે ટ્રોફી જીતવાનું એમનું સપનું પૂરું કર્યું છે. તેમના આઈપીએલ કરિયરની પહેલી મેચથી તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમી રહ્યા છે. 18 વર્ષોની તપસ્યા બાદ ગઇકાલે વિરાટ કોહલીએ ટ્રોફી ટીમના નામે કરી, અને ચાહકોને આ વર્ષે આઇપીએલ 2025ની સૌથી મોટી ભેટ આપી. આ જીત ન માત્ર કોહલી માટે પરંતુ તેમના ચાહકો અને બેંગલુરુ શહેર માટે પણ ખુબજ ખાસ માનવામાં આવે છે.
જીત પછી વિરાટનું નિવેદન
ગઈકાલે પંજાબ સામે મેળવેલી રોમાંચક જીત બાદ કોહલીએ કહ્યું કે, “આ જીત તેમની ટીમ અને તેમના ચાહકો માટે છે. 18 વર્ષ થઈ ગયા. આ ટીમને મેં મારો અનુભવ, સમય અને શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. મે દરેક આઈપીએલમાં જીતવાનો પ્રયત્ન કર્યો છે, મારી પાસે જે કઈ છે મેં ટીમને આપ્યું છે. આ ટ્રોફી જીતવી એક સપના જેવુ લાગી રહ્યું છે. ક્યારેય નોતું વિચાર્યું કે આટલો ઉત્તમ દિવસ જોઈશ, અંતિમ ઓવરમાં હું ભાવુક થઈ ગયો હતો.”
IPL મારા માટે 5 લેવલ નીચે
ગઇકાલે પંજાબ સામે ભવ્ય જીત મેળવ્યા પછી વિરાટ કોહલીએ આઈપીએલની ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટ સાથે બરાબરી કરીને એક મોટું નિવેદન પણ આપ્યું. વિરાટે કહ્યું, “તમે બધાજ જાણો છો કે આ ટ્રોફી જીતવી મારા કરિયરની સૌથી ખાસ પળોમાંથી એક છે. હું હજી પણ આઈપીએલને ટેસ્ટ ક્રિકેટ કરતાં 5 લેવલ નીચે માનું છું. મને ટેસ્ટ ક્રિકેટ પસંદ છે. આવનાર યુવા ખેલાડીઓને હું આગ્રહ કરીશ કે તેઓ આ ફોર્મેટને સન્માન સાથે સ્વીકારે. જો તમે ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરો છો તો તમે કોઈ પણ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી શકશો. ટેસ્ટ ક્રિકેટને તમારા હ્રદય અને આત્માથી સ્વીકારો.”