- વર્લ્ડકપ બાદ ટીમની સિનિયર ખેલાડીઓ આરામ પર
- ટીમ અત્યારે સૂર્યાના નેતૃત્વમાં રમી રહી છે સીરિઝ
- વિરાટ કોહલીએ વનડે અને T20માંથી લીધો બ્રેક
વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે ટીમ ઈન્ડિયાના ઘણા સિનિયર ખેલાડીઓ રજાઓ મનાવી રહ્યા છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની ટીમ અત્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T-20 સીરિઝ રમી રહી છે. આ સીરિઝ બાદ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાના પ્રવાસ પર જવાની છે, જ્યાં પહેલા 3 T20, પછી 3 વનડે અને પછી 2 ટેસ્ટ મેચ રમાશે. આ મોટા પ્રવાસ પહેલા જ વિરાટ કોહલીએ સફેદ બોલના ક્રિકેટમાંથી લાંબો આરામ લેવાની જાહેરાત કરી છે.
વિરાટ વ્હાઈટ બોલ ક્રિકેટથી દૂર રહ્યો
મળતી માહિતી મુજબ, વિરાટ કોહલીએ BCCIને જાણ કરી છે કે તે વનડે અને T20 ફોર્મેટમાંથી અનિશ્ચિત સમય માટે વિરામ લઈ રહ્યો છે અને તે આ બંને ફોર્મેટમાં ક્યારે પરત ફરશે તેની માહિતી તે પોતે આપશે. આ સમાચાર સાંભળીને વિરાટ કોહલીના ફેન્સ નિરાશ થયા છે. ફેન્સને એવું લાગવા લાગ્યું છે કે કદાચ વિરાટ કોહલી હવે સફેદ બોલની ક્રિકેટથી પોતાને દૂર કરી રહ્યો છે અને આ બંને ફોર્મેટમાંથી તેની વહેલી નિવૃત્તિનો એક સંદેશ છે.
શું વિરાટે નિવૃત્તિનો સંકેત આપ્યો?
વિરાટ કોહલી અત્યારે લંડનમાં રજાઓ માણી રહ્યો છે અને રોહિત શર્મા પણ લંડનમાં પરિવાર સાથે રજાઓ માણી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ બંને ખેલાડીઓ છેલ્લા 2-3 મહિનાથી સતત ક્રિકેટ રમી રહ્યા છે. પહેલા એશિયા કપમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવ્યું પછી ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું અને પછી વર્લ્ડકપમાં સતત તમામ 10 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી હતી. હવે વિરાટ અને રોહિતની સાથે ઘણા સિનિયર ખેલાડીઓ રજાઓ પર છે. આ દરમિયાન વિરાટનો નિર્ણય નિવૃત્તિનો સંકેત દેખાઈ રહ્યો છે, પરંતુ વિરાટના વર્તમાન ફોર્મ અને ફિટનેસને જોતા એવું લાગતું નથી કે તે આ સમયે કોઈપણ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે.


