કોંગ્રેસની ત્રીજી યાદીમાં ગુજરાતના 11 ઉમેદવારોના નામ જાહેર કરાયા
કોંગ્રેસ દ્વારા લાંબા મનોમંથન બાદ આખરે પોતાના 11 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે તેમ તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે તૈયારીમાં વ્યસ્ત છે. જો કે હંમેશાની જેમ કોંગ્રેસ આ વખતે પણ તૈયારીથી માંડીને દરેક તબક્કે પાછી પડી રહી હોય તેવું ચિત્ર ઉભુ થયું હતું. ભાજપ દ્વારા 4 સીટને છોડીને તમામ સીટો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ હવે મનોમંથન બાદ વધારે ગુજરાતના 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
કોંગ્રેસે ગુરુવારે (21 માર્ચ) લોકસભા ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી. તેમાં 7 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના 56 ઉમેદવારોના નામ છે. 57 સીટોની આ યાદીમાં એવો પણ ઉલ્લેખ છે કે રાજસ્થાનમાં સીકરની સીટ સીપીઆઈ-એમ માટે છોડી દેવામાં આવી છે. ત્રણેય લિસ્ટ સહિત કોંગ્રેસે અત્યાર સુધીમાં 138 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. યાદીમાં પશ્ચિમ બંગાળના બહેરામપુરથી અધીર રંજન ચૌધરી અને મહારાષ્ટ્રના નાંદેડના વસંત રાવ ચવ્હાણના નામની જાહેરાત કરવામાં આવી છે.
કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં કોંગ્રેસે પાટણથી ચંદનજી ઠાકોર, આણંદથી અમિત ચાવડા, ગાંધીનગરથી સોનલ પટેલ, અમરેલીથી જેનીબેન ઠુમ્મર, જામનગરથી જે.પી. મારવિયા, ખેડાથી કાળુસિંહ ડાભી, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, દાહોદથી ડો. પ્રભા તાવિયાડ અને સુરતથી નિલેશ કુંભાણીના નામ જાહેરાત કરી છે. જ્યારે તુષાર ચૌધરીને ફરી ટિકિટ આપી છે. જો કે આ વખતે તેમની પરંપરાગત બારડોલીની જગ્યાએ કોંગ્રેસે તેમને સાબરકાંઠાથી મેદાનમાં ઉતાર્યા છે.


