દંડથી બચવા દાદાગીરી કરનાર સામે આજીડેમ પોલીસમાં ફરજમાં રૂકાવટનો ગુનો
રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ સામે કાર્યવાહી દરમિયાન પ્રેસની ખોટી ઓળખ આપીને એક શખસે મહિલા ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી કર્યાની ગંભીર ઘટના સામે આવી છે. ફરજ પર રહેલી લેડી ટ્રાફિક હેડ કોન્સ્ટેબલને ઇજા પહોંચાડવાના મામલે પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કોઠારીયા ચોકડી બ્રિજ ઉપર વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન આર.ટી.ઓ. દ્વારા માન્ય ન હોય તેવી નંબર પ્લેટ લગાવેલા વાહનને રોકવામાં આવ્યું હતું. વાહન પર લખેલી નંબર પ્લેટ શંકાસ્પદ જણાતાં ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ભરવા જણાવવામાં આવ્યું હતું. ત્યારે વાહનચાલક સંજય ધામેચા નામના શખસે પોતે “પ્રેસમાં કામ કરતો હોવાનો” દાવો કરી દંડ ભરવાનો ઇનકાર કર્યો હતો.
ફરજ પર રહેલા મહિલા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ સેજલબેન પરમારે આ અંગે આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, બપોરે આશરે 12.25 વાગ્યાના સમયે ચેકિંગ દરમિયાન આ શખસે “હું પ્રેસમાંથી છું” કહીને ઉદ્ધત વલણ દાખવ્યું હતું. દંડ ભરવાનું કહેતાં તેણે ઉશ્કેરાઈ જઈ “તમે અહીં બધાને હેરાન કરો છો” જેવા શબ્દો બોલી બોલાચાલી શરૂ કરી હતી.
બોલાચાલી દરમિયાન મામલો વધુ બગડતાં શખસે ઝપાઝપી કરી હતી, જેમાં મહિલા હેડ કોન્સ્ટેબલના કાંડાના ભાગે ઈજા પહોંચી હતી. આ ઝપાઝપી દરમિયાન આરોપીનો મોબાઈલ ફોન નીચે પડી જતા તેણે પોલીસ પર જ આક્ષેપો કરતા કહ્યું હતું કે, “મારો મોબાઈલ તૂટી ગયો છે, તેનો ખર્ચ આપો.”
ઘટનાની જાણ થતાં ઇન્ચાર્જ PSI ડી.પી. ગોહિલ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આરોપીને પૂછપરછ કરી હતી. PSI દ્વારા જ્યારે આરોપીને કયા પ્રેસમાં કામ કરે છે અને ઓળખપત્ર (આઈકાર્ડ) બતાવવાનું કહ્યું ત્યારે તે કોઈ પણ પ્રેસનું નામ કે માન્ય ઓળખપત્ર રજૂ કરી શક્યો નહોતો. પ્રાથમિક તપાસમાં પ્રેસની ખોટી ઓળખ આપ્યાનું સ્પષ્ટ થતાં પોલીસે આરોપી સામે ફરજમાં રૂકાવટ અને ઝપાઝપીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું છે કે, સરકારી ફરજમાં રહેલા કર્મચારીઓ સાથે દાદાગીરી કે ખોટી ઓળખ આપીને નિયમો તોડવાનો પ્રયાસ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


