કોઠારીયા સોલ્વેન્ટમાં પાલતું શ્વાનના ઝઘડામાં ઘરમાં ઘુસી પરિવાર પર જીવલેણ હુમલો
ઉત્તરાયણના જુના ઝગડાનો ખાર રાખી પડોશી ટોળકી હથિયારો સાથે ત્રાટકી, યુવાન પર છરીના ઘા ઝીંકાયા, ત્રણ મહિલાઓને ઇજા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલ હુસેની ચોકમાં પાલતું શ્વાનને લઈ થયેલા વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ઉત્તરાયણ દરમિયાન થયેલા ઝગડાનો ખાર રાખી પડોશમાં રહેતી આરોપી ટોળકીએ હથિયારો સાથે ઘરમાં ઘુસી એક પરિવાર પર જીવલેણ હુમલો કરતાં વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. હુમલામાં એક યુવાનને છરીના આડેધડ ઘા ઝીંકાતા હાલત ગંભીર બની છે, જ્યારે ત્રણ મહિલાઓને પણ મારમારવામાં આવતા સારવારમાં ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા હત્યાના પ્રયાસ અને રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવ અંગે કોઠારીયા સોલ્વન્ટના હુસેની ચોક, કન્યાશાળાની પાછળ રહેતી મુસ્કાનબેન ઇબ્નેમભાઈ ફારૂકી (ઉ.વ.23)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે પાડોશમાં રહેતા વિકી, સંજય પાડલીયા, ગોગો, વિકીનો ભાઈ રોકી, મનીષ ઉર્ફે કકુ, રવિરાજ કાઠી, જનકો કબુતરવાળો, વિકીની પત્ની, મનીષ ઉર્ફે કકુની બે બહેનો તથા તેમની માતા જશુબેન (તમામ રહે. રાજકોટ) સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
ફરિયાદ મુજબ, ગત રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ મુસ્કાનબેન પોતાના પતિ સાથે ઘરમાં હાજર હતા ત્યારે ઉપરોક્ત તમામ આરોપીઓ એકસાથે ધોકા, પાઈપ અને છરી જેવા હથિયારો લઈને ઘરમાં ઘુસી આવ્યા હતા. ગાળો બોલતા આરોપીઓને રોકતા જ તેમણે હુમલો શરૂ કર્યો હતો. આરોપી વિકી અને સંજય પાડલીયાએ છરી કાઢી મુસ્કાનબેનના પતિના છાતી અને પગના ભાગે ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
હુમલા દરમિયાન બૂમાબૂમ થતા પાડોશી ફેજલભાઈ, હનીફાબેન અને ઇરઝાબેન વચ્ચે પડવા આવ્યા તો તેમને પણ ધોકા-પાઈપથી મારમારવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપી ગોગોએ છરી લઈને ફરી પીડિત યુવાનના માથાના ભાગે સતત ઘા ઝીંકતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. પરિવાર બચવા માટે નજીકમાં રહેતા માતાના ઘરમાં દોડી ગયો છતાં આરોપીઓ ત્યાં પણ પહોંચીને હુમલો ચાલુ રાખ્યો હતો.
આ દરમિયાન મહિલાઓને હાથ-પગમાં ઇજાઓ પહોંચી હતી. ગોગો ફરીયાદીને છરી મારવા જતા તેની માતાએ છરી પકડી લેતાં તેમના હાથમાં ગંભીર ઇજા થઈ હતી, જ્યારે પગના ભાગે પણ પાઈપથી માર લાગ્યો હતો. આસપાસના લોકો ભેગા થતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
બાદમાં તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત પ્રથમ સિવિલ હોસ્પિટલ રાજકોટ અને ત્યારબાદ ગોકુળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરીયાદીનાં પતિ હાલ બેભાન હાલતમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
બનાવના કારણ અંગે ફરીયાદીએ જણાવ્યું હતું કે, ગત તા. 14ના રોજ આરોપી વિકીની પત્ની અને માતા પોતાના પાલતું શ્વાનને ફરીયાદીના ઘર નજીક લઘુશંકા કરાવતા હોવા બાબતે ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખી આરોપીઓએ ઘરમાં ઘુસી પરિવાર પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ આજીડેમ પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે તપાસનો દોર શરૂ કર્યો છે.


