જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ તરીકે ઊજવવામાં આવે છે. સમગ્ર ભારતમાં આ પર્વ ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાય છે. ખાસ કરીને જ્યાં શ્રીકૃષ્ણજીના જીવન સાથે સંકળાયેલી ઘટનાઓ ઘટી હોય તેવી જગ્યાઓએ આ પર્વની ભવ્ય ઉજવણી થતી હોય છે. ભારતના અલગ અલગ ભાગમાં જન્માષ્ટમીના પર્વની અત્યંત ધામધૂમથી અને હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમીના પ્રસંગે અમુક જગ્યાએ કૃષ્ણલીલાનું આયોજન કરવામાં આવે છે તો ક્યાંક દહીંહાંડી ફોડવામાં આવે છે. તો ક્યાંક જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે. ચાલો, જાણીએ કે ભારતની કઈ કઈ ખાસ જગ્યાઓ પર જન્માષ્ટમીની ઉજવણી વિશેષ રૂપે થાય છે.
રંગોળીઓથી મંદિરને સજાવવાની પરંપરા
ઉત્તર પ્રદેશમાં આવેલ મથુરા શહેર એ શ્રીકૃષ્ણજીનું જન્મભૂમિ સ્થળ છે. અહીં જન્માષ્ટમીનો ઉત્સવ સૌથી ભવ્ય રીતે મનાવવામાં આવે છે. લોકો આખી રાત ભજનો ગાઈને બાળ ગોપાળ શ્રીકૃષ્ણનો જન્મદિવસ ઊજવે છે. મંદિરને રંગોળી, દીવો, ફૂલો અને આકર્ષક લાઈટિંગથી શણગાર કરવામાં આવે છે. કૃષ્ણજન્મની રાસલીલા પણ ધર્મપ્રેમીઓ દ્વારા દર્શાવવામાં આવે છે. ભારતમાં વસતા ઘણા કૃષ્ણપ્રેમીઓ જન્માષ્ટમીની ઉજવણી કરવા સ્પેશિયલ મથુરા આવે છે.
રાસલીલા, મહારાસ અને દહીંહાંડીનો ઉત્સવ
ઉત્તર પ્રદેશમાં આવેલ વૃંદાવન શ્રીકૃષ્ણના બાળલીલા સ્થળ તરીકે જાણીતું છે. અહીંની `રાસલીલા’, `મહારાસ’ અને `દહીંહાંડી’ જેવી પરંપરાઓ દર્શકોને આકર્ષે છે. દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં ભેગા થાય છે. ઘણાં મંદિરોમાં ભજન સાંભળી લોકો રાત્રિભર ભાવભક્તિમાં લીન રહે છે. ભક્તો ઢોલ અને વાંજિત્રોના તાલે નૃત્ય કરીને કૃષ્ણમય બની જાય છે. આમ, વૃંદાવનમાં અનોખી રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે.
શ્રીકૃષ્ણનાં નાટકો, ગરબા અને લોકસંગીતની ઉજવણી
ગુજરાતના દ્વારકા શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણે રાજ કર્યું હતું એટલે દ્વારકાને ભગવાન કૃષ્ણની નગરી કહેવામાં આવે છે. આ નગરીને ભગવાન કૃષ્ણે વસાવી હતી, તેથી તેમને દ્વારિકાધીશ પણ કહેવામાં આવે છે. અહીંના દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીનો મહોત્સવ વિશાળ સ્તરે ઉજવાય છે. મંદિરમાં કૃષ્ણનાં પર્ણની ઝાંખી મુકાય છે અને વિશેષ પૂજા-અર્ચના થાય છે. ભગવાન કૃષ્ણની પ્રતિમાઓ પર સ્વર્ણ આભૂષણ અર્પણ કરવામાં આવે છે. આખા શહેરમાં ધર્મમય વાતાવરણ છવાઇ જાય છે. લોકકલાના માધ્યમથી નાટકો, ગરબા અને લોકસંગીત થકી ઉજવણી થાય છે.
ભવ્ય મંગલ આરતી
રાજસ્થાનમાં આવેલ નાથદ્વારાનું શ્રીનાથજી મંદિર કૃષ્ણભક્તિનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. અહીં જન્માષ્ટમીના દિવસે વિશેષ શણગાર થાય છે અને અહીં `ભવ્ય મંગલ આરતી’ માટે હજારો ભક્તો ભેગા થાય છે. અહીંનો `મહાભોગ’ પણ પ્રસિદ્ધ છે. ભક્તો દૂર દૂરથી મહાભોગ માટે નાથદ્વારામાં આવે છે. આખું નાથદ્વારા ભક્તિમય બની જાય છે.
મુંબઈની મટકીફોડ
મહારાષ્ટ્રમાં આવેલા મુંબઈ શહેરમાં ગણેશોત્સવની જેમ જ જન્માષ્ટમીએ મટકીફોડ મુખ્ય આકર્ષણ છે. એમાંય દહીંહાંડી ઉત્સવ જન્માષ્ટમીના દિવસે ખાસ ઉજવાય છે. યુવકોની ટોળકી (ગોવિંદા પથક) માનવ પિરામિડ બનાવી હાંડી તોડવાનો પ્રયત્ન કરે છે. આ હાંડીમાં દહીં, માખણ, છાશ, ચોકલેટ અને પૈસાના સિક્કા ભરવામાં આવે છે. અહીં ઊજવવામાં આવતી ગોકુલાષ્ટમીનો તહેવાર કૃષ્ણને દહીં, છાશ પ્રત્યેના પ્રેમને દર્શાવવામાં આવે છે. આ એક રમૂજી અને ઉત્સાહભર્યો પ્રસંગ હોય છે. અહીં યુવાનોથી માંડી અનેક સંસ્થાઓ અને બોલિવૂડના સ્ટાર્સ પણ ભાગ લેતા હોય છે.
ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી
ઓડિશાના પુરી શહેરમાં ભગવાન જગન્નાથના રૂપમાં શ્રીકૃષ્ણની પૂજા થાય છે. અહીંની જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. પુરીમાં રથયાત્રાનું જેટલું મહત્ત્વ છે એટલું જ વિશેષ જન્માષ્ટમીનું મહત્ત્વ છે.
જન્માષ્ટમીમાં બાળલીલાનું પ્રદર્શન
કર્ણાટકમાં ઉડુપી આવેલું છે. ઉડુપીમાં રહેલ શ્રીકૃષ્ણ મઠ ભગવાન કૃષ્ણને સમર્પિત છે. અહીંયાં ભગવાન કૃષ્ણના બાળસ્વરૂપને અત્યંત સુંદર રીતે સજાવવામાં આવે છે. જન્માષ્ટમીના પાવન પર્વે ઉડુપીમાં ભગવાન કૃષ્ણની બાળલીલાઓનું પ્રદર્શન કરવામાં આવે છે. એમાં ભાવિ ભક્તો જોડાય છે.
જન્માષ્ટમી માત્ર ધાર્મિક પર્વ નહીં, પરંતુ સંસ્કૃતિ અને ભક્તિનો અનોખો મેળાવડો છે. ભારતની દરેક ભૂમિ પર તેને અલગ અલગ રૂપે ઉજવાય છે, પણ ભાવભક્તિ દરેક જગ્યાએ સમાન હોય છે.
વાંસળી
આ ભગવાન કૃષ્ણનું સૌથી જાણીતું અને સૌનું પ્રિય પ્રતીક છે. ભગવાન શ્રીકૃષ્ણની વાંસળીને વંસી, વેણુ અને વંશિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. વાંસળીના સૂર માત્ર ગોપીઓને જ નહીં, પરંતુ પૃથ્વી પરના તમામ જીવોને મોહિત કરે છે. વાંસળી એ પણ દર્શાવે છે કે સંગીતથી પણ મન તૃપ્ત થઇ શકે છે.
મહી-માખણનો ચોર કન્હૈયો,
વ્રજમાં કરતો શોર કન્હૈયો.
યમુના તટ પર ગાયો ચરાવે,
સહુના મનનો મોર કન્હૈયો.
દુષ્ટોનો છે કાળ કન્હૈયો,
ભક્તોનો રખવાળ કન્હૈયો.
વ્રજ આખામાં ધૂમ મચાવે,
સહુને ગમતો બાળ કન્હૈયો.
ગોવાળોનો યાર કન્હૈયો,
સૌને કરતો પ્યાર કન્હૈયો.
હાક મારતા દોડી આવે,
હરપળ છે તૈયાર કન્હૈયો.
વાંસળીનો વહેનાર કન્હૈયો,
સૂરો રેલવનાર કન્હૈયો.
વાસ તણા ટુકડામાં કેવા,
પ્રાણોનો ફૂંકનાર કન્હૈયો.
સગુણ રૂપ સાકાર કન્હૈયો,
ગીતાનો ગાનાર કન્હૈયો.
બની સારથિ જીવન રથનો,
સહુને જાળવનાર કન્હૈયો.