રાજકોટ બેઠક પરથી હટાવવાની માંગણી સાથે બહિષ્કારની ચીમકી આપતા ક્ષત્રિય આગેવાનો
ભાજપના કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં રાજા મહારાજા, ક્ષત્રિય સમાજ વિશે ટીપ્પણી કરતા સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજમાં પ્રચંડ લોકરોષ ભભુકયો છે. ગઇકાલે રાજકોટમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સભ્યો બહુમાળી ભવન ચોકમાં મોટી સંખ્યામાં એકઠાં થયા હતા અને એવો રણટંકાર કર્યો હતો કે, રૂપાલા પાસેથી માફી નથી જોઇતી, તેમની ઉમેદવારી ભાજપ પાછી નહીં લે અને તેની જગ્યાએ અન્યને ટીકીટ આપવામા નહીં આવે તો ભાજપ પરિણામ ભોગવવા તૈયાર રહે.
રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે મંગળવારે સાંજે જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે વિરોધી સૂત્રોચ્ચાર થયા હતા. કરણી સેનાના એલાને જંગની જાણ થતાં સખ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
ઉપસ્થિત તમામ ક્ષત્રિય અગ્રણીઓએ એક જ સૂરમાં રૂપાલાની ઉમેદવારી ભાજપ પરત લ્યે અન્યથા તેના પરિણામ ભોગવવા તૈયાર રહે.
ક્ષત્રિય સમાજના કાર્યકરોએ નારેબાજીથી રાહદારીઓ અને વાહનચાલકો પણ ઉકત વિરોધ પ્રદર્શનમાં જાણે અજાણ્યે ભાગીદાર બન્યા હતા. આ તકે ક્ષત્રિય સમાજના આગેવાનો અને કરણી સેનાના હોદ્દેદારોએ આગ ઝરતું ભાષણ કર્યું હતું. જેમાં સાર્વત્રિક સૂર એક જ રહ્યો હતો કે ભાજપ કોઈપણ સંજોગોમાં રાજકોટ લોકસભા ઉમેદવાર પદેથી પરસોત્તમ રૂપાલાને હટાવે.
રાજપૂત અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ વિરોધ તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષાએથી કેન્દ્રીય લેવલે પણ જશે અને દેશભરમાં આના છાંટા ઉડશે.
ગઇકાલે બહુમાળી ભવન ચોકમાં રાજપૂત સમાજના વિવિધ આગેવાનો, કરણી સેનાના કાર્યકરો અને હોદ્દેદારો બહોળી સંખ્યામાં એકઠા થયા હતા. જ્યાં ક્ષત્રિયોએ એક સૂરે એવુ એલાન કર્યુ હતુ કે, પરસોતમ રૂપાલાએ જે હરકત કરી છે એ જરાપણ માફીને યોગ્ય નથી. રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં નહિ આવે તો ક્ષત્રિય રાજપૂત સમાજ મતદાનનો બહિષ્કાર કરશે અથવા પરસોતમ રૂપાલાને કોઈપણ સંજોગોમાં હરાવવા માટેનું જોર લગાવશે.
અમુક આગેવાનોએ જણાવ્યું હતું કે, જો તમે મંત્રીઓને હટાવી શકતા હોવ, મુખ્યમંત્રી સહિત આખે આખું મંત્રીમંડળને ઘર ભેગુ કરી શકતા હો તો ક્ષત્રિય સમાજ માટે ક્ષત્રિય સમાજની અસ્મિતા અને ગરિમા માટે રૂપાલાને ટિકિટ કેન્સલ કેમ ન કરી શકો તેવો સવાલ ઉઠાવ્યો હતો. તો અમુક રાજપૂત આગેવાનોએ રૂપાલાના ઘરને ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રિયોએ એવી ચીમકી પણ આપી છે કે ભાજપ આવા ઉમેદવારને ચૂંટણીમાં જારી રાખશે તો રાજકોટ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, સહિતની બેઠકો પર પરિણામ ભોગવવુ પડશે.
રૂપાલાને હરાવવા સમાજ એડી ચોટીનું જોર લગાવશે
ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપનો વિરોધી ક્યારેય હતો નહિ, છે નહિ અને રહેવાનો પણ નથી. પણ રાજપૂત સમાજ વિશે ઔચિત્ય ભંગ સમાન અને હલકી ટિપ્પણી કરીને પરસોત્તમ રૂપાલાએ સમગ્ર સમાજને નીચો દેખાડ્યો છે. ક્ષત્રિય સમાજ કોઈપણ સમાજના ઉમેદવારને જીતાડવા માટે પ્રતિબદ્ધ છે, પણ જો રૂપાલાને ઉમેદવાર પદેથી નહિ હટાવાયા તો સમાજ તેને હરાવવા માટે એડી ચોટીનું જોર લગાવી દેશે.
કરણી સેનાના પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે બોલવામાં 10 વખત વિચારવું જોઈએ. બીજા સમાજને ઊંચો બતાવવા માટે તેણે ક્ષત્રિય સમાજની નારીઓ નું અપમાન કર્યું છે જે માફીને લાયક નથી. અમારા સમાજની સ્ત્રીઓ સતી થઈ તે રૂપાલાને ખ્યાલ હોવો જોઈએ. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિયો જિલ્લા કલેકટર પાસે જઇને ઉગ્ર રજુઆત સાથે આવેદનપત્ર આપ્યું છે.


