હાઇવેનું કામ અધુરૂ છતાં વસૂલાતો પૂરો ટોલ
કુકમા ટોલનાકે ‘નો રોડ, નો ટોલ’ના નારા સાથે ટ્રાન્સપોર્ટરોનો હલ્લાબોલ
ટ્રાન્સપોર્ટરોએ હાઇવે પર પોતાના વાહનો ઉભા રાખી સર્જયો ચક્કાજામ
અગ્ર ગુજરાત, ભૂજ
કચ્છ જિલ્લાના કુકમા ટોલનાકા પર આજે ટ્રાન્સપોર્ટરો અને ટ્રક માલિકોએ એકઠા થઈને તંત્ર સામે મોરચો માંડ્યો છે. હાઈવેનું કામ લાંબા સમયથી અધૂરું હોવા છતાં કંપની દ્વારા પૂરતો ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવાથી ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા વાહનચાલકોએ “નો રોડ, નો ટોલ રસ્તાની બિસ્માર હાલતને કારણે વાહનોમાં નુકસાન થતું હોવાની ફરિયાદો પણ ઉઠી છે.
આ આંદોલનને પગલે ટ્રાન્સપોર્ટરોએ હાઈવે પર પોતાની ટ્રકો ઉભી રાખીને ચક્કાજામ સર્જ્યો હતો, જેના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રાન્સપોર્ટરોનો આરોપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં હાઈવેના કામમાં કોઈ પ્રગતિ જોવા મળતી નથી અને ટેક્સના નામે જનતાના ખિસ્સા ખંખેરવામાં આવે છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાન્સપોર્ટરોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો ટૂંક સમયમાં રસ્તાની કામગીરી સુધારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.


