- સાઉથ આફ્રિકા સામે કુલદિપ યાદવની 5 વિકેટ
- કુલદિપ યાદવે T20માં બીજી વખત લીધી 5 વિકેટ
- ઈંગ્લેન્ડ સામે 2018માં પ્રથમ વખત લીધી હતી 5 વિકેટ
કુલદીપ યાદવે 14 ડિસેમ્બરે પોતાનો 29મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર ભારતીય ચાઈનામેન બોલરે પોતાને એક મોટી ભેટ આપી અને ત્રીજી T20માં સાઉથ આફ્રિકા સામે 5 વિકેટ ઝડપી હતી. કુલદીપે 2.5 ઓવરમાં માત્ર 17 રન આપ્યા અને આફ્રિકાના 5 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પરંતુ કુલદીપ પાંચ વિકેટ લીધા બાદ પણ ખુશ નહોતો, જેનો ખુલાસો મેચ બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો હતો.
કુલદીપના પ્રદર્શનથી બધા ખુશ હતા, પરંતુ કુલદીપ યાદવ પોતે નહીં. ત્રીજી ટી-20 બાદ કુલદીપના નારાજ હોવાના કારણ વિશે વાત કરતા કેપ્ટન સૂર્યાએ કહ્યું, “તે ક્યારેય ખુશ નથી હોતો. તે હંમેશા વિકેટ માટે ભૂખ્યો હોય છે. “તેણે પોતાની જાતને એક સરસ જન્મદિવસની ભેટ આપી હતી.”
T20Iમાં બીજી વખત લીધી 5 વિકેટ
T20 ઈન્ટરનેશનલમાં કુલદીપ યાદવે આ બીજી વખત 5 વિકેટ લીધી હતી. આ પહેલા ભારતીય ચાઈનામેન બોલરે 2018માં ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરમાં રમાયેલી T20 મેચમાં 5 વિકેટ ઝડપી હતી, ત્યારે કુલદીપે 24 રન આપીને 5 ઈંગ્લિશ બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. હવે તેણે સાઉથ આફ્રિકા સામે પોતાના જન્મદિવસ પર T20માં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.
ભારતની સાઉથ આફ્રિકા સામે એકતરફી જીત
સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી T20માં ભારતીય ટીમે એકતરફી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 201 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 56 બોલમાં 100 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી, જેમાં તેણે 7 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. આ સિવાય ઓપનર યશસ્વી જયસ્વાલે 6 ફોર અને 3 સિક્સરની મદદથી 60 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ભારતીય બોલરોએ સાઉથ આફ્રિકાને 95 રનમાં ઓલઆઉટ કરી 106 રનથી જીત મેળવી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે 5 વિકેટ લીધી હતી. આ સિવાય રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે મુકેશ કુમાર અને અર્શદીપ સિંહને 1-1 સફળતા મળી હતી.


