તમિલનાડુમાં આવેલા આ મંદિરને `કુમારી અમ્મન મંદિર’ અથવા તો `કન્યાકુમારી મંદિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કન્યાકુમારીની યાત્રાએ નીકળનારા આ કુમારી અમ્મન મંદિરમાં શ્રદ્ધાભેર પોતાનું માથું ટેકવવા જાય છે. આ મંદિરની ગણના પણ શક્તિપીઠો પૈકીના એક મંદિરમાં થાય છે. આ મંદિર દેવી કન્યાકુમારીનું ઘર પણ કહેવાય છે.
આ મંદિરનું નિર્માણ આઠમી શતાબ્દીમાં પંડ્યા સમ્રાટો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાળક્રમે વિજયનગર, ચૌલ અને નાયક રાજાઓ દ્વારા તેને પુનર્નિર્મિત પણ કરવામાં આવ્યું હતું. આ મંદિરના નિર્માણ બાદ આસપાસના રાજ્યના લોકો પણ માતાજીના દર્શનાર્થે આવતા હતા.
દેવી કન્યાકુમારી કોણ છે?
દેવી કન્યાકુમારી એક કિશોરીના રૂપમાં દેવી શ્રી ભગવતી છે. આ દેવીને શ્રી બાલાભદ્ર અથવા શ્રી બાલાના નામથી પણ ઓળખવામાં આવે છે. મૂળ તેઓ તેના લોકપ્રિય રૂપ `શક્તિ’ (દુર્ગામાતા અથવા માતા પાર્વતી)ના રૂપમાં જ ઓળખાય છે. અગાઉ જણાવ્યું તેમ આ મંદિરનો સમાવેશ શક્તિપીઠોનાં મંદિરોમાં થાય છે.
કન્યાકુમારી મંદિરની મૂર્તિઓ અને શાસ્ત્રોલ્લેખ
કન્યાકુમારી મંદિરનું પ્રમુખ દેવી કુમારી અમ્મન છે, જેને ભગવતી અમ્મનના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં દેવી કન્યાકુમારીની જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તે ખૂબ જ આકર્ષિત છે અને તેમને જે નથ (નથણી) પહેરાવવામાં આવી છે તે શુદ્ધ હીરાની છે. આ નાકની નથ વિશે ઘણી લોકવાયકાઓ પણ પ્રચલિત છે. આ મંદિરમાંના પૂર્વ તરફના દરવાજાને હંમેશાં બંધ જ રાખવામાં આવે છે, કારણ કે હીરાની ચમકના લીધે કેટલાંક જહાજોને હાનિ પહોંચે છે. એટલે કે તેની ચમકથી જે તે વ્યક્તિ અંજાઇ જાય છે. આ મંદિરનો ઉલ્લેખ હિન્દુ ગ્રંથો અને શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. આ મંદિરનો ઉલ્લેખ હિન્દુ મહાકાવ્ય મહાભારત અને રામાયણમાં પણ કરવામાં આવ્યો છે.
કન્યાકુમારી મંદિરની પૌરાણિક કથા
કન્યાકુમારી મંદિર પાછળની પૌરાણિક કથા એવી છે કે રાક્ષસ બાણાસુરે તમામ દેવતાઓને બંધક બનાવી લીધા હતા અને નજરકેદ કરી રાખ્યા હતા. એક વરદાન પ્રમાણે રાક્ષસ બાણાસુરને માત્ર કોઇ કુંવારી કન્યા જ મારી શકે તેમ હતું, તેથી દેવતાઓએ પ્રાર્થના કરી અને તેમની વિનંતી પર દેવી પરાશક્તિએ કુમારી કન્યાનું રૂપ ધારણ કર્યું હતું, જેથી રાક્ષસનો વધ થઇ શકે. આગળ જતાં ભગવાન શિવજીને કુમારી સાથે પ્રેમ થઇ ગયો અને આ પ્રેમ લગ્નમાં પરિણમવા જઇ રહ્યો હતો ત્યારે ઋષિ નારદજીને એ વાતની જાણ હતી કે રાક્ષસ બાણાસુરને મારવા માટે કુમારીનું અવિવાહિત રહેવું ખૂબ જ જરૂરી છે, તેથી તેમણે આ લગ્ન ન થાય અથવા તો તેમાં વિલંબ થાય એવા ભરપૂર પ્રયાસો કર્યા હતા. જોકે, ભગવાન શિવજીએ કુમારી સાથે લગ્ન કરવા માટે રાત્રિનો સમય પસંદ કર્યો હતો.
તેમણે રાત્રિ થતાં પોતાની વિવાહયાત્રા પ્રારંભ કરી હતી. તેમણે સુલ્લિન્દ્રમથી વાલુકુપરથી કન્યાકુમારી સુધી યાત્રા શરૂ કરી. આ દરમિયાન નારદમુનિએ એક મરઘીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હવે જ્યારે મરઘીનો અવાજ આવે છે ત્યારે ભગવાન શિવજીને થાય છે કે, હવે તો લગ્નનો શુભ સમય વીતી ગયો છે, તેથી તેઓ પરત ફરે છે, પરંતુ અહીં દેવી તેમની રાહ જુએ છે. અંતે ભગવાન શિવજી યોગ્ય વિવાહ સમય ન આવતાં તેઓ અવિવાહિત રહેવાનો સંકલ્પ કરે છે.
થોડો સમય વીતતા કુમારી પર રાક્ષસ બાણાસુરની નજર પડે છે અને તેમની સાથે જબરદસ્તીથી લગ્ન કરવાની કોશિશ કરે છે. ત્યારબાદ દેવી પોતાના ચક્ર અને ગદા વડે રાક્ષસ બાણાસુરનો વધ કરવા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. કુમારીના રૌદ્ર સ્વરૂપથી બાણાસુર ભયભીત થઇને માફી માંગવા લાગે છે. બાણાસુર હવેથી કોઇ જ પ્રકારનું પાપ ન કરવાનું કહે છે અને કરગરીને માફી પણ માંગે છે. કુમારી તેને માફ પણ કરી દે છે અને દેવતાઓને પણ છોડી મૂકવામાં આવે છે. એક લોકવાયકા પ્રમાણે કુમારી અહીં આવેલા પવિત્ર સંગમના પાણીને આશીર્વાદ પણ આપે છે, કે અહીં ડૂબકી લગાવવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળી જાય છે.
અન્ય એક કથાના જણાવ્યા અનુસાર સંત નારદ અને ભગવાન પરશુરામે દેવીને કળિયુગના અંત સુધી પૃથ્વી પર રહેવાનું જણાવ્યું હતું. ભગવાન પરશુરામે ત્યારબાદ અહીં જ સમુદ્ર કિનારે વિશાળ મંદિરનું નિર્માણ પણ કર્યું અને ત્યારથી દેવી કન્યાકુમારીની મૂર્તિ અહીં સ્થાપિત હોવાનું કહેવામાં આવે છે. મંદિર પાસે આવેલા મોટા પથ્થર પર દેવીનાં પગલાંનાં નિશાન પણ દેખાય છે. આ મંદિરની પાસે એક બીજું પણ પવિત્ર સ્થાન છે, જેને વિવેકાનંદ રોક મેમોરિયલ પણ કહે છે.
મંદિરની વાસ્તુકલા
દેવી કન્યાકુમારીનું આ મંદિર 3000 વર્ષથી પણ જૂનું હોવાનું અનુમાન કરવામાં આવે છે. આ મંદિર નિર્માણમાં ત્રાવણકોર સામ્રાજ્યનો પણ સમાવેશ થાય છે. આ મંદિરમાં કુમારી એટલે કે દેવીની મૂર્તિ છે તે પોતાની નથ માટે પણ વિશેષ જાણીતી છે. આ મંદિર મજબૂત પથ્થરોથી ઘેરાયેલું છે. મંદિરનું મુખ્ય દ્વાર ઉત્તરી દ્વાર થઇને જાય છે. જોકે, પૂર્વનું દ્વાર હંમેશાં માટે બંધ જ રાખવામાં આવે છે. આ દ્વારને વૃશ્ચિકમ, અેડવામ અને કાર્કિડમ મહિના દરમિયાન અમાવસના દિવસે જ ખોલવામાં આવે છે. આ મંદિર પરિસરમાં ભગવાન સૂર્યદેવ, ભગવાન ગણેશ, ભગવાન અયપ્પા સ્વામી તેમજ દેવી બાલાસુંદરી અને દેવી વિજયા સુંદરીનાં મંદિરો પણ આવેલાં છે. આ મંદિરમાં જે કૂવો આવેલો છે તેના પાણીનો ઉપયોગ દેવીના અભિષેક માટે કરવામાં આવે છે. જેને મૂલા ગંગા તીર્થમ નામથી પણ ઓળખવામાં આવે છે.
મંદિરમાં ઉજવાતા તહેવારો
આ મંદિરમાં વૈશાખી મહોત્સવ, ચિત્રા પૂર્ણિમા ઉત્સવ અને નવરાત્રિ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે.