કચ્છના સુંદર માંડવી દરિયાકિનારે પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન વિભાગ દ્વારા 11 દિવસીય બીચ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય પ્રવાસન મંત્રી જયરામ ગામિતના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં સાહસિક પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર જોવા મળશે. ઉદ્ઘાટન પ્રસંગે જાણીતી સિંગર ઐશ્વર્યા મજમુદારે મધુર પર્ફોમન્સ આપી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
દરરોજ સાંજે સંગીતની મહેફિલ જમાવશે
આગામી દિવસોમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો અને મ્યુઝિકલ બેન્ડ્સ દરરોજ સાંજે સંગીતની મહેફિલ જમાવશે. પ્રવાસીઓ માટે રોપ ક્લાઇમ્બિંગ, બર્મા બ્રિજ, કેમલ રાઈડિંગ અને ઝોબિંગ જેવી સાહસિક રમતોનું આયોજન કરાયું છે. આ ઉપરાંત સેન્ડ આર્ટ, સ્ટાર ગેઝિંગ, અને લેઝર લાઈટ શો મુખ્ય આકર્ષણ રહેશે. પ્રવાસીઓની સગવડ માટે ક્રાફ્ટ અને ફૂડના વિશેષ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
રણની સાથે દરિયાનો પણ અનોખો આનંદ
પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર માંડવીના અન્ય બીચના વિકાસ માટે પણ પ્રયત્નશીલ છે. કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓ રણની સાથે દરિયાનો પણ અનોખો આનંદ માણી શકે તેવો આ આયોજનનો મુખ્ય હેતુ છે.


