કચ્છના મુખ્ય મથક ભુજમાં આજે સવારે ગેસ લીકેજની ઘટનાને પગલે ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ભુજ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ડ્રેનેજ લાઈનની ખોદકામની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની મુખ્ય પાઈપલાઈન લીક થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, સદનસીબે સમયસૂચકતા વાપરતા મોટી દુર્ઘટના ટળી હતી.
ખોદકામ દરમિયાન લાઈન કપાતા ગેસના ફુવારા ઊડ્યા
ઘટનાની મળતી વિગતો અનુસાર, ભુજના વ્યસ્ત ગણાતા ભીડનાકા વિસ્તારમાં પાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન રિપેરિંગ અથવા નવી નાખવાની કામગીરી ચાલી રહી હતી. જેસીબી મશીન દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન જમીનમાં રહેલી ગુજરાત ગેસની લાઈનમાં જેસીબીનો પંજો વાગતા તે તૂટી ગઈ હતી. ગેસ લીકેજ થતાં જ હવામાં ગેસની તીવ્ર ગંધ ફેલાઈ હતી અને આસપાસના રહેવાસીઓ તથા રાહદારીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી.
દુકાનો બંધ કરાવવાની ફરજ પડી
ગેસ લીકેજની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિકો અને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે આસપાસની તમામ દુકાનો તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવી હતી. કોઈપણ પ્રકારના અગ્નિ કે સ્પાર્કથી મોટી આગ ન લાગે તે માટે વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. સ્થાનિકોની સતર્કતાને કારણે કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ ન હતી.
તંત્રની ભૂલના કારણે લોકોમાં રોષ
આ ઘટનાને પગલે ભુજ નગરપાલિકાના કામ કરવાના ઢંગ અને નક્કર આયોજનના અભાવ સામે સવાલો ઉભા થયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, જ્યારે આવી મહત્વની કામગીરી થતી હોય ત્યારે અન્ય અન્ડરગ્રાઉન્ડ લાઈનો (ગેસ, વીજળી, ટેલિફોન)નો નકશો કે જાણકારી સાથે રાખવી જોઈએ. પૂરતા આયોજન વગર કરવામાં આવેલા ખોદકામને કારણે આજે આખું ભીડનાકું જોખમમાં મુકાયું હતું. હાલ ગેસ કંપનીના ટેકનિશિયનો દ્વારા લાઈન રિપેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.


