- છેલ્લા 3 દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત મહેરબાન
- માંડવીમાં પોણા 6, નખત્રાણામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો
- મુન્દ્રામાં સાડા 4 ઈંચ ધોધમાર વરસાદથી મોથાડા ગામ બેટમાં ફેરવાયું
છેલ્લા 3 દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળી રહ્યાં છે. રાજ્યના આ બે ઝોનને બાદ કરતાં અન્ય ભાગમાં છૂટાછવાયા ઝાપટા વરસી રહ્યાં છે. એવામાં કચ્છ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા લોકો અસહ્ય બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જો કે ગઈકાલથી મેઘરાજાએ ફરીથી કચ્છ જિલ્લામાં પધરામણી કરી હતી. જેમાં અબડાસામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહીને પગલે આજે ફરીથી કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.
આજે આખા દિવસ દરમિયાન કચ્છના માંડવી તાલુકામાં સૌથી વધુ 147 મિ.મી (અંદાજે પોણા 6 ઈંચ) વરસાદ પડ્યો છે. આ સિવાય નખત્રાણામાં 130 મિ.મી, મુન્દ્રામાં 122 મિ.મી, રાપરમાં 110 મિ.મી, લખપતમાં 77 મિ.મી, ગાંધીધામમાં 38 મિ.મી, અબડાસામાં 19 મિ.મી, ભૂજમાં 17 મિ.મી અને ભચાઉમાં માંડ 6 મિ.મી વરસાદ નોંધાયો હતો.
આજે દિવસ દરમિયાન ખાબકેલા ભારે વરસાદના પગલે મુન્દ્રા તાલુકાનું મોથાડા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. અબડાસાનો કંકાવટી ડેમ તેમજ માંડવીનું ઐતિહાસિક તળાવ ઓવરફ્લો થઈ ગયું હતુ. જ્યારે મથલ નદીના પૂલ પરથી પાણી પસાર થતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. જેના કારણે 4 કિ.મી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
કચ્છમાં મધ્યમ કક્ષાના 6 ડેમો ઓવરફ્લો થયા
- અબડાસાનો કંકાવટી, બેરાચિયા, મીઠી ડેમ ઓવરફ્લો
- લખપત તાલુકાના ગજણસર ડેમ ઓવરફ્લો
- માંડવીનો ડોણ ડેમ,મુન્દ્રનો કારાઘોઘા ડેમ ઓવરફ્લો
- નખત્રાણાનો મથલ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં
- નીચાણવાળા વિસ્તારના ગામોને સાવચેત રહેવા સૂચના
રાજ્યના 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો
સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદના આંકડા જોઈએ તો, રાજ્યના 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જે પૈકી 64 તાલુકામાં 1 ઈંચથી વધુ, 33 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 18 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે દ્વારકા તાલુકામાં સૌથી વધુ સવા 6 ઈંચ વરસાદ પડ્યો છે. અન્ય તાલુકામાં જોડિયામાં 134 મિ.મી., સુરતના પલસાણામાં 120 મિ.મી, નવસારીના ખેરગામમાં 119 મિ.મી તેમજ તાપીના ડોલવણમાં 85 મિ.મી વરસાદ નોંધાયો છે.


