- મૃતક યુવક નશામાં બોલાચાલી કરતો હતો અને પાડોશીને સહન ન થતાં યુવકના માથાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કર્યો
- ઘાયલ યુવાનને વધુ સારવાર મળે તે પહેલાં તેણે છેલ્લા શ્વાસ લીધા
- પોલીસે આરોપીને મોડી રાત્રે રાઉન્ડઅપ કરી આગળની તપાસ હાથ ધરી
ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં બે મિત્રોએ પાડોશી યુવકની હત્યા કરી નાખતા ચકચાર મચી છે. મૃતક યુવક સુરેશ ચંદ્રવંશી નશામાં બોલાચાલી કરતો હતો અને પાડોશીને સહન ન થતાં યુવકના માથાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કરતા યુવક ત્યાં જ ઢળી પડ્યો હતો. હાલ સમગ્ર મામલાની તપાસ એ ડિવિઝન પોલીસ કરી રહી છે અને બનાવના બંને આરોપીઓ અજય અને અશોકની પોલીસે ધરપકડ કરી લીધી છે.
બોથડ પદાર્થ વડે માર મારી યુવકની કરાઈ હત્યા
ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં પાણીના ટાંકા નજીક સાંજના સમયે માથાકૂટ થતાં આરોપીઓએ સુરેશ સાગાજી ચંદ્રવંશી નામના યુવાનને કપાળના ભાગે બોથડ પદાર્થ વડે માર મારી તેને પતાવી નાખ્યો હતો. શહેરના નવી સુંદરપુરી વિસ્તારમાં પાણીના ટાંકા નજીક સાંજે છ વાગ્યાના આસપાસ હત્યાનો બનાવ બન્યો હતો. આ વિસ્તારમાં રહેનાર શ્રમિક એવો સુરેશ ચંદ્રવંશી નામનો યુવાન પાણીના ટાંકા બાજુ હતો.
વધુ સારવાર મળે તે પહેલા જ યુવકનું થયુ મોત
દરમ્યાન આરોપી અશોક તથા અજય સાથે કોઈ કારણોસર માથાકૂટ થઈ હતી. તેવામાં ઉશ્કેરાયેલા આરોપીઓએ આ યુવાનના કપાળના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કર્યો હતો. જેમાં યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ઘાયલ થયેલા આ શ્રમિકને લોહી નીકળતી હાલતમાં સારવાર અર્થે આદિપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ઘાયલ યુવાનને વધુ સારવાર મળે તે પહેલાં તેણે છેલ્લા શ્વાસ લીધા હતા અને બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસને બનાવની જાણ થતાં પોલીસે દોડધામ આદરી હતી અને આરોપીને મોડી રાત્રે રાઉન્ડઅપ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મૃતક દારુના નશામાં પાડોશીઓને ગાળો બોલતો હતો
સમગ્ર મામલાની તપાસ પોલીસ કરી રહી છે તેવામાં જાણવા મળ્યુ છે કે મૃતક સુરેશ દોઢ મહિના પહેલા જ ગાંધીધામમાં પરિવાર સાથે રહેવા આવ્યો હતો અને આરોપીઓ પણ એક મહિના પહેલા તેના બાજુમાં રહેવા આવ્યા હતા. મૃતક દારુના નશામાં પાડોશીઓને ગાળો બોલતો હતો તે સહન ન થતા એક મહિના પહેલા આવેલા અજય અને અશોકે મૃતક સુરેશની હત્યા કરી નાખી હતા.


